જામનગર સહિત હાલાર પંથકમાં ગઇકાલે દેવ પ્રબોધિની એકાદશી અને તુલસી વિવાહની ઉજવણી થઇ હતી. કારતક સુદ એકાદશીને વિવિધ નામે ઓળખાય છે. દેવદિવાળી નિમિતે જામનગરમાં પરંપરાગત તુલસીવિવાહ ઉત્સવ યોજાયા હતા. સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકામાં પણ તુલસીવિવાહ ઉત્સવ યોજાયો હતો.
લોકોએ મંદિરોમાં તેમજ ઘરોમાં તુલસીજીને દિવો કરી શેરડી ધરી હતી. તેમજ ઘર આંગણે રંગોળી કરી હતી. દેવદિવાળીએ દેવી તુલસીના ભગવાન દ્વારકાનાથ સાથે લગ્નોત્સવ સાથે સંસારના તમામ શુભકાર્યોની શરૂઆત કરાઇ છે. મંદિરોમાં શેરડીના મંડપો બાંધવામાં આવ્યા હતાં. લોકો તુલસી વિવાહમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તુલસી વિવાહના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.