કલ્યાણપુર મામલતદાર એમ.સી.પટેલની યાદીમાં જણાવ્યા અનુસાર સરકારી વિનયન કોલેજ કલ્યાણપુર ખાતે “ચાલો ચૂંટણી પ્રક્રિયાને સમાવિષ્ટ, સુગમ અને સહભાગી બનાવીએ”ની થીમ પર રાષ્ટ્રીય મતદાતા દિવસ ૨૦૨૨ નિમિત્તે તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્દબોધન કરતા મામલતદારએ લોકશાહીને મજબૂત અને સૂદ્રઢ બનાવવા માટે ૧૮ વર્ષ પૂર્ણ થયા હોય તેવા તમામ યુવાનોને મતદારયાદીમાં નોંધણી કરાવવી જરૂરી છે તેમ જણાવી ઉમેયુ હતું કે, ચૂંટણી પંચના NVSP, VOTERPORTAL અને VOTER HELPLINE જેવા ડીઝીટલ માધ્યમોથી નામ નોંધણી કરાવા શકાય છે તેમ પણ જણાવ્યું હતું.
આ પ્રસંગે મતદાર સાક્ષરતા કલ્બના નોડલ ઓફિસર વિજય ઠાકોરએ વર્ષ દરમ્યાન કલ્બ દ્વારા કરવામાં આવેલ પ્રવૃતિઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી ભવિષ્યમાં પણ આ કલ્બ દ્વારા મતદાર જાગૃતિ અન્વયે વિવિધ પ્રયાસો કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં મતદાર સાક્ષરતા કલ્બ દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે યોજાયેલ પ્રવૃતિઓમાં પ્રથમ, દ્રિતીય અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લા કક્ષાએ આયોજીત કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમ થકી જોડાઈ તમામે મતદારોએ લેવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી.
આ તકે સરકારી વિનયન કોલેજના પ્રિન્સીપાલ વિ.એલ.પંડ્યા, તાલુકા વિકાસ અધિકારી આર.એલ.ડગરા, મતદારયાદી શાખાના નાયબ મામલતદાર વિ.એલ.લાડવા સહિત કોલેજના વિદ્યાર્થીઓએ અને જાગૃત નાગરીકો ઉપસ્થિત રહ્યાં હતા.


