- Advertisement -
ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે ખંભાળિયામાં ગઈકાલે મંગળવારે શોભાયાત્રા સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
પરશુરામ જયંતિના પાવન દિન નિમિત્તે ખંભાળિયામાં યોજવામાં આવેલા કાર્યક્રમો અંતર્ગત અહીંની પરશુરામ જન્મોત્સવ સમિતિના ઉપક્રમે યોજવામાં આવેલી શોભાયાત્રાનો પ્રારંભ ગઈકાલે મંગળવારે સાંજે અહીંના ચાર રસ્તા વિસ્તારમાંથી થયો હતો. અહીંના બ્રહ્મ અગ્રણી રાજુભાઈ વ્યાસ દંપતીના હસ્તે શાસ્ત્રોક્ત વિધિથી પૂજન-અર્ચન બાદ શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જેમાં એક સરખા પરિવેશ ધારણ કરી, ભાઈઓ બહેનો જોડાયા હતા. ડી.જે.ના તાલે નીકળેલી આ શોભાયાત્રામાં યુવાનો દ્વારા રજૂ કરવામાં આવેલા તલવારબાજીના કરતબોથી સૌ કોઈને મંત્રમુગ્ધ બન્યા હતા. નાના બાળકો પણ ભગવાન પરશુરામનો પરિવેશ ધારણ કરી, શોભાયાત્રામાં જોડાયા હતા. આ બાળ કલાકારોને ઇનામોથી પુરસ્કૃત કરવામાં આવશે.
આ શોભાયાત્રા શહેરના જુદા-જુદા માર્ગો પર ફરી રાત્રીના સમયે અત્રે નગર ગેઈટ વિસ્તારમાં આવેલી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની બ્રહ્મપુરી ખાતે સંપન્ન થઈ હતી. જ્યાં મહાઆરતી સહિતના કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. શોભાયાત્રાના માર્ગોને આકર્ષક કમાનો વડે શણગારવામાં આવ્યા હતા.
આ શોભાયાત્રાનું ફૂલ, તથા ફટાકડા અને આતશબાજી વડે સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના આગેવાનો, કાર્યકરો તથા નગરજનો જોડાયા હતા.
- Advertisement -