Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

જામનગરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

લાખોટા તળાવ ખાતે શહેર કક્ષાની તથા ક્રિકેટ બંગલા ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કરાઇ : મેયર, સાંસદ, કમિશનર, કલેકટર, એસ.પી., ધારાસભ્ય સહિતના મહાનુભાવોએ યોગ કર્યા : રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

- Advertisement -

જામનગરમાં આજરોજ આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જામનગર શહેરની મધ્યમાં આવતાં લાખોટા તળાવ ખાતે શહેરકક્ષાનો તથા ક્રિકેટ બંગલા ખાતે જિલ્લા કક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો હતો. જિલ્લામાં અંદાજિત 4 લાખ જેટલા લોકો વિવિધ સ્થળોએ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા માનવતાં માટે યોગ થીમ અંતર્ગત લાખોટા તળાવ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકાના મેયર બીનાબેન કોઠારી આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત આ તકે સાંસદ પૂનમબેન માડમ, કમિશનર વિજયકુમાર ખરાડી, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, સ્ટે. ચેરમેન મનિષભાઇ કટારીયા, શાસકપક્ષના નેતા કુસુમબેન પંડયા, શહેર ભાજપ મહામંત્રી મેરામણભાઇ ભાટુ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા તેમજ ગુજરાત યોગ બોર્ડના કોચ પ્રિતીબેન શુકલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી યોગ દિવસની ઉજવણી કરી હતી.

- Advertisement -

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે જામનગર એનસસી ગ્રુપના આર્મી તથા નેવી વિંગ્સના કેડેટ દ્વારા હરિયા કોલેજ તથા રણમલ તળાવ ખાતે યોગાસનો તેમજ પ્રાણાયમનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. રોજિંદા જીવનમાં યોગનું મહત્વ સમજી તેને જીવનના દરેક હિસ્સામાં વણી લઇ નિયમિતતા અને સ્વસ્થ જીવન જીવવાની અસરકારક તાલિમ કેડેટેસ દ્વારા મેળવવામાં આવી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, રમત ગમત અને સાંસ્કૃત્તિ વિભાગ આધારિત યોગ નિદર્શન કાર્યક્રમમાં રણમલ તળાવ ખાતે મોરબી, ભાણવડ, દ્વારકા, નંદાણા, મીઠાપુર, સિદસર, કાલાવડ તથા જામનગર શહેર એમ વિવિધ સ્થળોએથી એનસીસીના શાળા-કોલેજના કેડેટસ યોગાભ્યાસમાં જોડાયા હતાં.

આ ઉપરાંત હરિયા કોલેજમાં પણ યોગ દિવસની ઉજવણી અંતર્ગત જામનગરની વિવિધ શાળા તેમજ કોલેજના એનસીસી કેડેટસ, વિદ્યાર્થીઓ તથા શિક્ષકો દ્વારા પણ યોગની તાલિમ લેવામાં આવી હતી. ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટના કેમ્પસ ડાયરેકટર ડો. સ્નેહલ કોટક પલાણ તેમજ એનસીસી ઓફિસર કેપ્ટન ડો. પ્રભાંશુ અવસ્થિ દ્વારા હરિયા કોલેજમાં યોગ તાલિમને સફળ બનાવવા આયોજન કરવામાં આવ્યું હતું. બંને સ્થળોએ 3000 જેટલા એનસીસી કેડેટસ દ્વારા યોગની તાલિમ મેળવવામાં આવી હતી.

- Advertisement -

આ કાર્યક્રમમાં 27 ગુજરાત એનસીસી બટાલિયનના કમાન્ડીંગ ઓફિસર મનિષ મલ્હોત્રા તેમજ 8 ગુજરાત એનસીસી નેવલ યુનિટના કમાન્ડીંગ ઓફિસર લેફટનન્ટ કમાન્ડર ઇશાન ચર્તુવેદી સહિત પીઆઇ સ્ટાફ તથા એસોસિએટ એનસીસી ઓફિસર્સની ઉપસ્થિતિ રહી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પ્રિતીબેન શુકલ દ્વારા રણમલ તળાવ ખાતે યોગાભ્યાસની તાલિમ આપવામાં આવી હતી.

વર્ષ 2015 થી પ્રતિવર્ષ 21મી જૂનના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજરોજ ‘માનવતા માટે યોગ’ની થીમ સાથે 8માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” ની દેશભરના ઐતિહાસિક 75 સ્થળોએ ઉજવણી કરવામાં આવી હતી. જામનગર જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ ક્રિકેટ બંગલો ખાતે ઉજવવામાં આવ્યો હતો. જેમાં આમંત્રિત મહાનુભાવો, અધિકારીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં જામનગરવાસીઓએ યોગાસન કર્યા હતા.

આ પ્રસંગે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી યોગને વિશ્વ સ્તરે ઓળખ મળી છે. અને વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. 75માં આઝાદી કા અમૃત મહોત્સવનાં ભાગરૂપે રાજ્યભરમાં 75 ઐતિહાસિક, ધાર્મિક, સાંસ્કૃતિક જગ્યાએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. યોગ કરવાથી શરીર અને મન તંદુરસ્ત બને છે. આપણે સૌએ દિનચર્યાની શરૂઆત યોગથી જ કરવી જોઈએ. કારણકે પહેલું સુખ તે જાતે નર્યા. યોગ સૌ ભારતીયોને સાથે જોડતી પ્રાચીન પરંપરા છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્ણાટકનાં મૈસુરથી દેશવાસીઓને સંબોધન કરી યોગ દિવસની શુભકામનાઓ પાઠવી યોગનું મહત્વ સમજાવ્યું હતું. રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં અમદાવાદના સાબરમતી રિવફ્રન્ટ ખાતે ઉજવવામાં આવ્યો હતો. અને જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં સૌએ વડાપ્રધાન અને મુખ્યમંત્રીનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું.

પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા અપાયેલી એક અમૂલ્ય ભેટ એવું યોગ વિદ્યાને વિશ્વ ફલક ઉપર લાવવા તથા આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જામનગરવાસીઓએ યોગ કર્યા હતા અને વાતાવરણમાં તાજગી પ્રસરી હતી. બાદમાં સૌએ કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીત ગાયુ હતું. જીલ્લાના તમામ તાલુકા, નગરપાલિકા, શાળા, કોલેજો, બાગ – બગીચાઓ તેમજ સરકારી કચેરીઓ અને સ્થાનિક સંસ્થાઓમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં જિલ્લાના અંદાજે 4લાખ જેટલા લોકોએ સહભાગી બની યોગ કર્યા હતા.

જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં કલેકટર ડો. સૌરભ પારધી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ,જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મૂંગરા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ ભરતભાઈ બોરસદિયા, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, શહેર પ્રાંત અધિકારી આસ્થાબેન ડાંગર, જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા, યોગ બોર્ડના કોચ પ્રીતિબેન શુક્લ, બ્રિંજલ ડેર, અનિરુદ્ધ સોઢા, એજ્યુકેશન ઇન્સ્પેકટર મધુબેન ભટ્ટ, સી.એમ.મહેતા, મધુસૂદન વ્યાસ તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓએ ઉપસ્થિત રહી યોગાસન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular