શહેરમાં ખંભાળિયા નાકા બહાર કિસાન ચોક વિસ્તારમાં ફુલિયા હનુમાનજી મંદિરે હનુમાનજી મહારાજ જન્મજયંતી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત ભકતોની ભારે ભીડ ઉમટી હતી. સવારે હનુમાનજી આરતી કરવામાં આવી હતી. આરતીબાદ પૂજારીએ હનુમાનજીના પ્રસાદની માગણી કરતા તેને સિંદુર આપવામાં આવતા પુજારી સિંદુર પી ગયા હતાં. પુજારી દ્વારા હનુમાનજીનો પ્રસાદ આરોગ્યા બાદ મંદિરમાં રહેલાં શ્રદ્ધાળુઓએ પુજારીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જામનગરમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે અલગ અલગ વિસ્તારોમાં આવેલા હનુમાન મંદિરો અને દેરીઓ ખાતે અન્નકૂટ, બટુક ભોજન, સંતવાણી સહિતના આયોજનો થયા છે. શહેરના બાલાહનુમાન મંદિરે સવારે 5:30 વાગ્યે પ્રભાત ફેરી, 6:30 વાગ્યે હનુમાન જન્મની આરતીના દર્શનના આયોજન સાથે સાથે હિન્દુ જાગરણ મંચ દ્વારા બાલા હનુમાન મંદિર પર સવારે 11 વાગ્યે નૂતન ધ્વજારોહણ યોજાયું. આ જ રીતે સવારે 9 વાગ્યે વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ખોડિયાર કોલોનીથી સાધુ-સંતોની ઉપસ્થિતિમાં હનુમાનજી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. દ્વારકા, ખંભાળિયામાં હનુમાનજી મંદિરોમાં મહાઆરતી દર્શન, પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા હતાં.