રાજ્ય સરકાર દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન અટલબિહારી બાજપાઈના જન્મદિવસ નિમિત્તે રાજ્યમાં સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે શહેરના ટાઉનહોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના સમાજ સુરક્ષા વિભાગ, વિકસતી જાતિ કલ્યાણ કચેરી તેમજ અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના ૩૭૦ લાભાર્થીઓને વિવિધ યોજનાઓ હેઠળ રૂપિયા ૧.૬૬ કરોડની સહાય સ્થળ પર D.B.T. મારફત ચૂકવવામાં આવી હતી
આ કાર્યક્રમના અધ્યક્ષ પદે ઉપસ્થિત રહેલ મેયર બીનાબેન કોઠારીએ જણાવ્યું હતું કે સરકાર અનુસૂચિત જાતિ, જન જાતિ તેમજ સમાજના નીચલા વર્ગને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા સતત પ્રયત્નશીલ છે જેના ભાગરૂપે આજે કરોડો રૂપિયાની સહાય લાભાર્થીઓને ચૂકવવામાં આવી રહી છે. ડો. બાબા સાહેબ આંબેડકર સાચા સમાજસુધારક અને ભારતના ભાગ્યવિધાતા હતા જેમને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમની સાથે જોડાયેલા પાંચ સ્થળોનો તીર્થધામ તરીકે વિકાસ કરીને સાચી શ્રદ્ધાંજલિ આપી છે. આ તકે મેયરે સમાજ સુરક્ષા વિભાગ દ્વારા જિલ્લામાં હાથ ધરવામાં આવેલ લોક કલ્યાણની કામગીરીને બિરદાવી હતી અને અભિનંદન પાઠવ્યા હતા.
આ કાર્યક્રમમાં ડો. સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના હેઠળ ૫, કુંવરબાઈનું મામેરૂ યોજના હેઠળ ૯, ડો. આંબેડકર આવાસ યોજના હેઠળ ૭, સાત ફેરા સમુહ લગ્ન યોજના હેઠળ જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમૂહલગ્ન સમિતિને રૂ.૭૫ હજાર, સાત ફેરા સમૂહ લગ્ન અને કુંવરબાઈનું મામેરૂ યોજના હેઠળ ૨૭ નવદંપતીઓને સહાય, પંડિત દીનદયાળ આવાસ યોજના હેઠળ ૬, દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ ૧૬, દિવ્યાંગ ભજનોની સાધન-સહાય ૨૦૦, પાલક માતા પિતા યોજના હેઠળ ૩૬૫, દિવ્યાંગ બસ પાસ સહાય યોજના, ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમના પેસેન્જર વાહન યોજના, ડીઝલ લોડીંગ સાઇકલ અને સલામતીના સાધનો સહાય હેઠળ બોલેરો વાન, ગુજરાત ગોપાલક વિકાસ નિગમના પશુપાલન લોન યોજના હેઠળ ૫, ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના ભોજન બિલ સહાય યોજના હેઠળ ૯૦, વિદેશ અભ્યાસ લોન ૩ હેઠળ કુલ ૩૭૦ લાભાર્થીઓને ૧.૬૬ કરોડની સહાય ચૂકવવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મહેમાનોનું શાબ્દિક સ્વાગત ડો.ઘનશ્યામભાઇ વાઘેલા-જિલ્લા નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ તેમજ કાર્યક્રમની આભારવિધિ ડો. પ્રાર્થનાબેન શેરસિયા-જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જામનગરે કરી હતી.
કાર્યક્રમમાં રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના પૂર્વ ચેરમેન મનહરભાઈ ઝાલા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, શહેર પ્રાંત અધિકારી આસ્થાબેન ડાંગર, ડો. એ.ટી. ખમળ-જિલ્લા નાયબ નિયામક વિકસતી જાતિ તેમજ બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.