જામનગર સહિત સમગ્ર વિશ્ર્વમાં આજરોજ 5 જૂનના વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકા અને વન વિભાગના સંયુકત ઉપક્રમે શહેરના ટાઉનહોલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમની સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે વૃક્ષારોપણ કરવાની સાથે સાથે જામનગર મહાનગર પાલિકાના ફાયર વિભાગને નવા અધ્યતન વાહનોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.
વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી અંતર્ગત ટાઉનહોલ જામનગર ખાતે સૌપ્રથમ મંત્રીઓ અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપપ્રાગટય વિધિથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. મેયર બીનાબેન કોઠારી દ્વારા તેમજ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ દ્વારા પ્રેરક ઉદબોધન કરવામાં આવ્યું હતું. મંત્રીઓ અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ટાઉનહોલ પરિસરમાં તુલસી અને લીમડાના છોડના વૃક્ષારોપણ કરવાની સાથે સાથે નાણાંપંચની પણ 1.28 કરોડની ગ્રાન્ટ સહાય અંતર્ગત જામનગર શહેરની સાકળી શેરીઓમાં પણ સરળતાથી જઈ શકે તેવા 5000 લીટર ક્ષમતા વાળા બે મીની ફાયર ફાઈટર ખરીદવામાં આવેલ છે જેનું લોકાર્પણ પણ આજરોજ કરવામાં આવ્યું હતું.
આ તકે કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), મેયર બીનાબેન કોઠારી, શહેર ભાજપા પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, કમિશનર સતિષભાઈ પટેલ, વન વિભાગના સીસીએફ ડી.ટી.વસાવડા, ડે. મેયર તપન પરમાર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન મનિષભાઈ કટારિયા, શાસક પક્ષ નેતા કુસુમબેન પંડયા, દંડક કેતનભાઇ ગોસરાણી, ગાર્ડન સમિતિના ચેરમેન ડિમ્પલબેન રાવલ, પૂર્વ શહેર ભાજપા પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, નાયબ કમિશનર એ.કે. વસ્તાણી, આસી. કમિશનર (વ.) ભાર્ગવ ડાંગર સહિત મહામંત્રીઓ, મ્યુનિસીપલ સભ્યો, વન વિભાગ પર્યાવરણ વિભાગના અધિકારીઓ જામનગર મહાનગરપાલિકાની અલગ અલગ શાખાના અધિકારીઓ જામનગર શહેરની પર્યાવરણી પ્રેમી અલગ અલગ સંસ્થાઓના પ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમની આભારવિધિ વન વિભાગના સીસીએફ આર.સનથીલકુમારન દ્વારા કરવામાં આવી હતી.