આજે ધનતેરસ એટલે કે, ભગવાન ધન્વતરીની જયંતી આ અવસરે જામનગર સ્થિત ઇન્સ્ટિટયુટ ઓફ ટિચીંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ધન્વતરી જયંતી નિમિત્તે ધન્વતરી મંદિરમાં યોજાયેલા કાર્યક્રમનો પ્રસિધ્ધ ભાગવતાચાર્ય રમેશભાઇ ઓઝાની ઉપસ્થિતિમાં ભગવાન ધન્વતરીનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિમાં આયુર્વેદની વૈશ્ર્વિક સ્તરે નોંધ લેવાઇ રહી છે. તે ભારત માટે ગૌરવસમાન છે. જેમાં અનેક લોકોનું યોગદાન રહ્યું છે. આ દિવસને આર્યુવેદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે વિશેષ અભિગમ સાથે કરવામાં આવતી ઉજવણી અંતર્ગત આ વર્ષે આયુર્વેદ દ્વારા પોષણ એ વિષય પર ઉજવણી કરવામાં આવી રહી છે. આ માટે એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં ઇન્સ્ટિટયુટના ડાયરેકટર ડૉ. અનુપ ઠાકર, શહેરના મેયર બિનાબેન કોઠારી સહિતના મહાનુભાવો ઉપરાંત વિશ્ર્વ વિદ્યાલયના છાત્રો, કર્મચારીઓ અને આયુર્વેદાચાર્યો ઉપસ્થિત રહયા હતા.