આજરોજ કારતક સુદ અગિયારસના તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવે છે. જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં આજરોજ ધામધૂમપૂર્વક તુલસી વિવાહની ઉજવણી થશે. તેમજ લોકો પોતાના ઘરે તુલસીના ક્યારા પાસે શેરડીનો સાઠો ધરી, દિવો કરશે. દેવદિવાળીને દેવ ઉઠી અગિયારસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે, દેવ ઉઠી અગિયારસના ભગવાન શ્રીહરિ ચાર મહિનાની નિંદ્રામાંથી જાગૃત થઇ પુન: ધરતી પર આવે છે. તેની ઉજવણી થાય છે. તુલસી વિવાહની ઉજવણી બાદ શુભ અને મંગલ કાર્યોનો પ્રારંભ થશે. એવું પણ કહેવાય છે કે, દેવ દિવાળીના દિવસે દેવી-દેવતા પૃથ્વી લોક ઉપર આવીને દિવાળી મનાવે છે. આજે દેવ દિવાળી નિમિત્તે જામનગરમાં વિવિધ સ્થળોએ તુલસી વિવાહના આયોજનો થશે. તેમજ લોકો દ્વારા શેરડીની ખરીદી થઇ રહી છે. તેમજ રાત્રીના સમયે ફટાકડા પણ ફોડી ઉજવણી કરવામાં આવશે.