બાળકો વિરૂધ્ધ થતી ગુનાખોરી રોકવા માટે ઈન્ટરપોલનો જે ડેટાબેઝ તૈયાર થાય છે, તેમાં હવે ભારતીય તપાસ એજન્સી સીબીઆઈ પણ જોડાઈ ગઈ છે. 67 દેશોની એજન્સીઓનો ડેટાબેઝ ઈન્ટરપોલની મદદથી શેર થશે અને તેના કારણે બાળકો સામે થતા ગુનાઓ ઘટાડી શકાશે. ધ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) ઈન્ટરપોલની સીએસએએમ ડેટાબેઝ સાથે જોડાઈ ગઈ છે.
67 દેશોની તપાસ એજન્સીઓ ઈન્ટરપોલના માધ્યમથી બાળકો સામે થતી ગુનાખોરી રોકવા માહિતીનું આદાનપ્રદાન કરે છે. ભારતની તપાસ એજન્સી સીબીઆઈ પણ એ ડેટાબેઝ સાથે જોડાઈ ગઈ છે. ભારતીય તપાસ એજન્સી આમાં જોડાઈ હોવાથી ગુનેગારોની ઓળખ સરળ બનશે. ગુનેગારની વિગતો અને પીડિતોની વિગતો ઈન્ટરપોલની મદદથી શેર થશે. ફોટો-વીડિયો કે તે સિવાયની ઓળખની વિગતો મેળવવી સરળ બનશે. ખાસ તો આંતરરાષ્ટ્રીય ગુનાખોરીમાં ગુનેગાર સુધી પહોંચવાનું સરળ બનશે. ઈન્ટરપોલના શક્તિશાળી એનાલિસિસ સોફ્ટવેરની મદદ મળશે. ઈન્ટરપોલના આ ડેટાબેઝમાં 27 લાખ ફોટો-વીડિયો ઉપલબ્ધ છે. ઈન્ટરપોલની વેબસાઈટ પ્રમાણે દરરોજ 27 હજાર પીડિતો અને 12,000 ગુનેગારોની આ ડેટાબેઝના આધારે ઓળખ થાય છે. સીબીઆઈના સૂત્રોના કહેવા પ્રમાણે ઈન્ટરપોલના બાળ વિરોધી અપરાધોને અટકાવવા માટેના ડેટાબેઝમાં જોડાવાથી માહિતીનું આદાન-પ્રદાન સરળ બનશે. એટલું જ નહીં, બાળકોની જાતીય સતામણી અને વીડિયો બનતા રોકવા માટે આ ડેટાબેઝની વિગત અસરકારક સાબિત થશે.


