ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં SIRની કામગીરી શરૂ થઈ ચૂકી છે. એવામાં સાયબર ઠગો હવે લોકોને ચૂનો લગાવવા માટે બીએલઓના નામે ફોન કરી રહ્યા છે અને ઓટીપી માંગી રહ્યા છે. દેશના કેટલાક રાજ્યોમાંથી આવા બનાવ સામે આવી ચૂક્યા છે. એવામાં હવે મુખ્ય ચૂંટણી અધિકારી કાર્યાલય અને ભારત ચૂંટણી પંચએ લોકોને ચેતવણી આપી છે.
મુખ્ય ચૂંટણી અધિકારી કાર્યાલય અને ભારત ચૂંટણી પંચએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન અથવા મતદાતા યાદી સુધારણાની પ્રક્રિયામાં જનતા પાસેથી ક્યારેય ઓટીપી માંગવામાં આવતો નથી. ચૂંટણી પંચે ચેતવણી જારી કરતાં જણાવ્યું છે કે જો કોઈ મોબાઈલ નંબર પર ઓટીપી આવે અથવા કોઈ વ્યક્તિ બીએલઓના નામે તમારી પાસેથી ઓટીપી માંગે, તો તમે એલર્ટ થઈ જજો. આ છેતરપિડીની એક નવી ટ્રિક હોઈ શકે છે. તાજેતરમાં પશ્ર્ચિમ બંગાળના કોલકાતા તેમજ અન્ય જિલ્લાઓમાં ફરિયાદો આવી છે કે કેટલાક લોકો પોતાને ચૂંટણી પંચના પ્રતિનિધિ ગણાવીને ઓટીપી માંગી રહ્યા છે. ઘણા નાગરિકો ભ્રમમાં આવીને શેર કરી દે છે. એવામાં પરૂમિ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું છે કે, ન તો ઓટીપી મોકલવામાં આવે છે, ન તો કોઈ પ્રક્રિયા માટે ઓટીપી માંગવામાં આવે છે. વોટર લિસ્ટ અપડેટ સાથે જોડાયેલા કોઈપણ કામ માટે ઓટીપી આપવાની જરૂર નથી. જો તમને પણ કોઈનો ફોન આવે કે જે તમને તમારા SIR માટે તમારા મોબાઇલ નંબર પર મળેલો ઓટીપી આપવાનું કહે તો તમે એલર્ટ થઈ જજો. ભૂલથી પણ કોઈની સાથે ઓટીપી શેર કરતા નહીં, નહીંતર તમને મોટું નુકસાન થઈ શકે છે. એટલું જ નહીં જો તમને કોઇ ઓટીપી માટે ધમકી આપે, તો તાત્કાલિક પોલીસની મદદ લો અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તેની જાણ કરો, પરંતુ ઓટીપી કોઈને શેર કરશો નહીં.


