જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સત્તાપર ગામના બસ સ્ટેશન પાસેથી ગઈકાલે રેલવેના એક ફાટકમેનને ચિક્કાર દારૂનો નશો કરેલી હાલતમાં એક હથિયાર સાથે પકડી પાડયો છે. ફાટકમેન દારૂ પીને ગેરકાયદેસર હથિયાર જાહેરમાં લહેરાવતાં મળી આવ્યો હતો. તેની કારની તલાસી લેતાં તેમાંથી દારૂની બાટલી પણ મળી હતી. પોલીસે ઇંગ્લિશ દારૂ, કાર અને હથિયાર વગેરે કબજે કરી લઇ ફાટકમેન સામે જુદા-જુદા બે ગુના નોંધાવાયા છે.
આ દરોડાની વિગત એવી છે કે જામજોધપુરમાં રહેતો અને મૂળ જુનાગઢ નો વતની તેમજ ફાટકમેન તરીકે નોકરી કરતો નટવરલાલ કાળુભાઈ તેરૈયા (54) કે જે ગઈકાલે રાત્રે જામજોધપુર તાલુકાના સતાપર ગામના બસ સ્ટેશન પાસે જાહેરમાં દારૂનો નશો કરીને બકવાસ કરી રહ્યો છે, અને પોતાના હાથમાં એક ગેરકાયદે હથિયાર રિવોલ્વર રાખીને સીન સપાટા કરી રહ્યો છે, તેવી બાતમીના આધારે જામજોધપુર પોલીસે દરોડો પાડયો હતો.
જ્યાંથી ફાટકમેન નટવરલાલને દારૂ પીધેલી હાલતમાં પકડી પાડયો હતો, અને તેના હાથમાં રહેલી રૂા.60 હજારની કિંમતની રિવોલ્વર કબ્જે કરી હતી અને તેની કાર પણ કબ્જે કરી લેવામાં આવી હતી.
જે કારની તલાસી લેવાતાં અંદરથી એક નંગ ઈંગ્લીશ દારૂની બાટલી પણ મળી આવી હતી. આથી પોલીસે કાર, ઇંગ્લિશ દારૂ અને ગેરકાયદે હથિયાર વગેરે કબ્જે કરી લીધા છે અને ફાટકમેન સામે હથીયાર ધારા ભંગનો ગુનો નોંધાયો છે. જ્યારે દારૂબંધી અંગેનો પણ બીજો ગુનો નોંધવામાં આવ્યો છે.