છેલ્લા કેટલાક સમયથી પશુઓમાં એક સ્કીનનો એક રોગ ફેલાયો છે. ઝડપથી ફેલાઈ રહેલ આ રોગ ચેપી હોવાથી પશુપાલકો ચિંતામાં મુકાયા છે. આ રોગનું નામ લમ્પી સ્કીન ડિસીસ છે. જે નાના તથા મોટા દુધાળા પશુઓમાં વાયરસથી થતો ચેપી રોગ છે. ખેરગામ તાલુકામાં આ રોગ પહેલીવાર જોવા મળ્યો છે.ખાસ કરીને ગાયમાં આ રોગ વધુ ફેલાય છે.
સૌ પ્રથમ બે-ત્રણ માસ પહેલા નવસારી જીલ્લામાં આ રોગે દેખા દીધી હતી. બાદમાં સુરેન્દ્રનગર, ધાંગધ્રા અને પાટડીમાં લમ્પી સ્કીન ડિસીસના કેસ નોંધાયા છે. ત્યારે રાજકોટના બેડી માંથી પણ પશુઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. ભારતના 15 જેટલા રાજ્યોમાં આ વાયરલ ડિસીસ રોગ ફેલાયો છે. સુરેન્દ્રનગર જીલ્લાના પશુઓમાં આ રોગ ઝડપથી ફેલાયો છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા આ રોગ વાયરલ હોવાનું જણાવવામાં આવ્યું છે. અમુક કેસમાં પશુઓના મૃત્યુ પણ થઇ શકે છે.
આ રોગમાં પશુને તાવ આવે છે અને શરીરે ગુમડા જોવા મળે છે. સાથે જ પશુ દૂધ ઓછું આપતું થઈ જાય છે. આ રોગથી સંક્રમિત પશુને ખોરાક અને પાણી અલગ આપવું, અસરગ્રસ્ત વિસ્તારમાં પશુઓને ચરવા લઈ જવાનું ટાળવું, પશુ રહેઠાણ અથવા વાડાઓને જીવાણુંનાશક દવાઓનો છંટકાવ કરવો તેમજ ધુમાડો કરવો, જેવી કાળજી રાખવાની ખાસ જરૂરિયાત છે.
બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં અંધશ્રદ્ધા વધુ ફેલાયેલી હોવાથી અમુક પશુપાલકો અંધશ્રદ્ધાના રવાડે પણ ચડ્યા હતા બાદમાં સરકારી પશુ દવાખાનાના ડોક્ટરે ઘણા લોકોને સમજાવી પશુઓનું ઈલાજ કરતા ઘણા પશુઓ સારા પણ થયા છે. તેથી આવા સમયે અંધશ્રદ્ધા છોડી લોકોએ પશુ ડોકટરની સલાહ લેવી વધુ યોગ્ય છે.