જામનગરના પંડિત નહેરુ માર્ગ પર આવેલી વિલિયમ જોન્સ પીઝા રેસ્ટોરન્ટમાંથી બે માસ પૂર્વે ત્રણ લાખની રોકડની ચોરી આચરનાર વેઈટર તસ્કર ત્રિપુટીને પોલીસે તેમના વતનમાંથી દબોચી લઇ નવ હજારની રોકડ કબ્જે કરી રિમાન્ડ મેળવવા અદાલતમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ, જામનગરમાં અંબર સિનેમા રોડ પર નિયો સ્કવેર કોમ્પલેક્ષમાં વિલિયમ જોન્સ પિઝા રેસ્ટોરન્ટમાંથી 25મી ડિસેમ્બરના રાત્રિના સમયે ટેબલ(કાઉન્ટર) નું લોક તોડી અંદરથી રૂપિયા 3.7 લાખની ચોરીના બનાવમાં પોલીસે સીસીટીવી કેમેરાના આધારે હોટલમાં જ વેઈટર તરીકે કામ કરતા 3 પરપ્રાંતીય શખ્સોનું કારસ્તાન આચરી તેમના વતનમાં નાશી ગયા હતાં. આ ચોરીના બનાવમાં જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેય ની સૂચનાથી પીઆઈ કે.જે.ભોયે, પીએસઆઈ એ.બી. સફિયા, પો.કો. અશ્ર્વિનસિંહ સુર, ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે તપાસનો દોર બિહાર સુધી લંબાવ્યો હતો. જ્યાં બે વખત ધક્કા ખાધા પછી પીઝાના રેસ્ટોરન્ટમાં વેઈટર તરીકે કામ કરતા સુમિત મંડલ, અરવિંદ મંડલ અને રાજેશ મંડલ નામની તસ્કર ત્રિપુટીને જુદા જુદા વિસ્તારોમાં તેના રહેણાંક મકાનમાંથી ઝડપી લીધા લઇ નવ હજારની રોકડ રકમ કબજે કરી લઈ જામનગર લઈ આવ્યા છે અને ત્રણેય તસ્કરોના કોવિડ ટેસ્ટ કરાવતા તેઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. બાદમાં ત્રણેયની ધરપકડ કરી રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરાઈ હતી.
પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન ત્રણેય તસ્કરોએ રેસ્ટોરન્ટના ટેબલના ખાનામાં રોકડ રકમ રાખવામાં આવતી હોવાથી જે દિવસે વધુ રકમ જમા થઈ હોય તે દિવસે ચોરી કરવાનો પ્લાન કર્યો હતો અને 25મી ડિસેમ્બરના રાત્રીના સમયે હોટલ બંધ હતી. ત્યારે સીસીટીવી કેમેરાની સ્વીચ બંધ કરી ટેબલનો લોક તોડી રોકડ રકમ લઈને વતનમાં ભાગી છૂટયા હતા. ત્યારબાદ તસ્કર ત્રિપુટીએ માર્ગમાં રોકડ રકમના ત્રણ ભાગ પાડી લીધા અને પોતાના ઘેર પહોંચ્યા હતા. જ્યાં પોતે ચોરી કરીને આવ્યા હોવાની પરિવારને જાણ પણ કરી ન હતી. જામનગર પોલીસ તેના ઘેર પહોંચી ત્રણેયને દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.