
ખબર-જામનગર
જામનગર શહેરના નાગપરા વિસ્તારમાં રહેતા પ્રૌઢ વેપારી શુક્રવારે રાત્રિના સમયે તેના ઘરે જતાં હતાં તે દરમિયાન બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ વેપારીને ધકકો મારી પછાડી દઇ આંખમાં મરચાની ભૂકકી છાંટી 45 હજારથી રોકડ રકમ ભરેલી થેલીની લૂંટ ચલાવી નાશી ગયા હતાં.
બનાવ અંગેની વિગત મુજબ જામનગર શહેરના ખંભાળિયા નાકા બહાર નાગરપરા શેરી નં.2 માં રહેતા અને ગે્રઈનમાર્કેટમાં વેપાર કરતા પ્રકાશભાઈ ચંદ્રકાંતભાઈ લાલ (ઉ.વ.57) નામના પ્રૌઢ શુક્રવારે રાત્રિના 8:30 વાગ્યાના અરસામાં તેની દુકાનેથી જીજે-10-બીકયુ-8502 નંબરના એકટીવા મોટરસાઈકલ પર તેના ઘર તરફ જતાં હતાં ત્યારે ખંભાળિયા નાકા પાસે બાઇની વાડી નાગરપરા શેરી નં.2 નજીક પહોંચ્યા ત્યારે બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ પ્રૌઢ વેપારીને ધકકો મારી પછાડી દીધા હતાં અને ત્યારબાદ વેપારીને આંખમાં મરચાંની ભૂકકી છાંટી એકટીવાના હેન્ડલમાં ટીંગાડેલી રૂા.45000 ની રોકડ રકમ ભરેલા પર્સવાળી થેલીની લૂંટ ચલાવી બન્ને શખ્સો નાશી ગયા હતાં.
દરમિયાન લૂંટની પ્રૌઢ વેપારી દ્વારા જાણ કરાતા પીઆઈ કે.એલ. ગાધે તથા સ્ટાફ તાત્કાલિક બનાવ સ્થળે દોડી ગયો હતો અને પ્રૌઢ વેપારીના નિવેદનના આધારે લૂંટારુ બન્ને શખ્સોને ઝડપી લેવા માટે જિલ્લામાં નાકાબંધી કરી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં તેમજ બનાવસ્થળ પાસેના વિસ્તારમાં કયાંય સીસીટીવી ફૂટેજો અંગે પણ તપાસ હાથ ધરી હતી અને બે અજાણ્યા બાઈકસવાર શખ્સો સામે લૂંટનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.