જામનગર તાલુકાના વિસ્તારમાં રાત્રિ દરમિયાન રસ્તો ઓળંગતા સમયે યુવતીનું પૂરઝડપે આવતા વાહને ઠોકર મારી હડફેટે લેતા મોત નિપજ્યું હતું. આ બનાવમાં તપાસ હાથ ધરી સીસીટીવી ફુટેજોના આધારે રાજકોટ પાસીંગની કારના ચાલકની ધરપકડ કરી અકસ્માતના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેર નજીક ગત તા.7 ના રોજ રાત્રિના સમયે રસ્તો ઓળંગતી કાજલબેન નામની યુવતીને પૂરઝડપે બેફીકરાઈથી આવતા અજાણ્યા કાર ચાલકે ઠોકર મારી હડફેટે લેતા શરીરે તેમજ માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન યુવતીનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવ અંગે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ગ્રામ્ય ડીવાયએસપી કૃણાલ દેસાઈના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.ડી. પરમાર, એએસઆઈ એમ.એલ. જાડેજા, હેકો નિર્મળસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, પો.કો. જયદેવસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, ખોડુભા જાડેજા અને સુમિત શિયાળ સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી સીસીટીવી ફુટેજોના આધારે કાળા કલરની જીજે-03-બીએ-1925 નંબરની અલ્ટો કાર દ્વારા અકસ્માત થયાનું ખૂલ્યું હતું અને પોલીસે મોબાઇલ એપ્લીકેશન દ્વારા કારમાલિકની માહિતી મેળવી જામનગરમાં આનંદ સોસાયટી કૃષ્ણનગર શેરી નં.5 પાછળ રહેતા મોહન ગોરધનભાઈ રાણપરિયા નામના વાહનચાલકની પૂછપરછ કરતા તેના દ્વારા અકસ્માત થયાની કેફિયત આપતા પોલીસે વાહન અકસ્માતના ગુનાનો ભેદ ઉકેલી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.