જામનગરમાં ગુરુદ્વાર ચોકડી પાસે રાત્રિના અરસામાં એક કારના ચાલકે પુર ઝડપે આવીને વિજપોલને અને ટ્રાફિક શાખાના પોલ તેમજ મહાનગરપાલિકાના સ્ટ્રીટલાઇટના પોલને પણ ક્ષતિગ્રસ્ત કરી દીધા હતા. ઉપરાંત એક બુલેટને પણ ઠોકરે ચડાવી કાર ચાલક ભાગી છુટયો હતો.
બનાવની વિગત મુજબ, જામનગરમાં ગુરુદ્વારા ચોકડી પાસે ગઇ રાત્રે દોઢેક વાગ્યાના અરસામાં સાત રસ્તા તરફથી પુરપાટ વેગે આવી રહેલા કારચાલકે વીજતંત્રના પોલને ટક્કર મારી દઈ પોલને નુકશાન પહોંચાડી અને સ્ટ્રીટ લાઈટનો પોલ ક્ષતિગ્રસ્ત થઇ ને માર્ગ પર લટકી રહ્યો હતો. આ અકસ્માતથી આસપાસના વિસ્તારનો વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. આ ઉપરાંત કારની ઠોકર ના કારણે ટ્રાફિક શાખાના પોલને પણ નુકસાન થયું હતું, તેમજ ઈલેક્ટ્રીક મીટર, પેનલ કંટ્રોલ બોર્ડ વગેરે ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા. સાથોસાથ માર્ગ પર એક બુલેટ પડેલું હતું જેને પણ ટક્કર વાગવાથી નુકશાની થઇ હતી.
જે અકસ્માત સર્જીને કારનો ચાલક ત્યાંથી ભાગી છૂટ્યો હતો, આ મામલે પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, ઉપરાંત વીજતંત્ર ને પણ સમગ્ર મામલાની જાણ થઈ હોવાથી જામનગરના સેન્ટ્રલ ઝોન સબડિવિઝનના નાયબ ઈજનેર અજય પરમાર તેમની ટીમ સાથે તુરંત જ સ્થળ પર દોડી ગયા હતા અને ભારે ટ્રાફિકની વચ્ચે પણ યુદ્ધના ધોરણે વીજ પોલની સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી.