જામનગરમાં ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં આવેલ રહેણાંકની જગ્યાના કાયદેસરના માલિક ગુજ. હુશેનભાઇ મામદભાઇ સિપાઇ શાખે બેલીમ હતા. ગુજ. હુશેનભાઇ મામદભાઇ બેલીમએ આ મિલકત પોતાની બીજી પત્નિ ખેરૂનીશા હુશેનભાઇને બે સાક્ષીઓની હાજરીમાં મૌખિક બક્ષીસથી આપી હતી. તેમજ તે સંબંધે બક્ષીસ આપ્યાનું લખાણ તથા સોગંદનામુ કરી આપ્યું હતું.
ખેરૂનીશાબેનએ આ બક્ષીસ સ્વીકારેલ ગુજ. હુશેનભાઇ મામદના પુત્ર ગુજ. અલારખા હુશેનના વારસદારો તેમજ પુત્રી મરિયમબેન અને જુબેદાબેન તરફથી આ મિલકતમાં મુસ્લિમ શરેહ મુજબ ભાગ મેળવવા અને બક્ષીસ વ્યર્થ હોવાનું જણાવી દાવો કર્યો હતો. પ્રતિવાદી ખેરૂનીશાબેન તરફથી આ મિલકતની બક્ષીસ એટલે કે મુસ્લિમ લો મુજબ હિબા થઇ ગયેલ હોવાનું તેમજ વાદીનો દાવો મુદ્ત બહાર હોવાનું તેમજ અગાઉ દાવો દાખલ કરવામાં આવેલ કે, જે ગેરહાજરીના કારણે રદ્ થયેલ તેથી બીજો દાવો ચાલી શકે નહીં તે મુજબના બચાવ લીધેલ.
આ દાવો ચાલી જતાં જામનગરના 8માં એડી. સિવિલ જજ પીપલીયાએ દાવાવાળી મિલકતની બક્ષીસ થયેલ છે. તેમજ બક્ષીસની જાણ થયેથી મુદ્તમાં દાવો દાખલ કરેલ નથી તેમજ બીજો દાવો ચાલી શકે નહીં તેથી વાદીનો દાવાવાળી મિલકતમાં સહમાલિક હોવાનું સાબિત થતું નથી તેથી વાદીનો દાવો રદ્ કરવામાં આવે છે. પ્રતિવાદી ખેરૂનીશાબેન હુશેનભાઇ તરફથી વકીલ અનિલ સી. કોઠારી, રવિન્દ્ર વાલજી વાઘેલા અને વિશાલ નારણ વાઘેલા રોકાયેલ હતાં.