દક્ષિણ કોરિયાના પ્રમુખ મુન જાઇ સાથે વ્હાઇટ હાઉસમાં એક સંયુક્ત પત્રકાર પરિષદ યોજી યુએસના પ્રમુખ જો બાઇડને જાહેરાત કરી હતી કે યુએસ દળો સાથે કામ કરતાં દક્ષિણ કોરિયાના સાડા પાંચ લાખ સૈનિકોને અમેરિકા કોરોનાની રસી આપશે.
આરોગ્યના ક્ષેત્રમાં આને એક અર્થપૂર્ણ પગલું લેખાવીને બંને નેતાઓેએ નવી રસી ભાગીદારી કરીને દુનિયામાં કોરોના રસીના ઉત્પાદનને વિસ્તારવાની જાહેરાત કરી હતી. બાઇડને જણાવ્યું હતું કે 2022 સુધીમાં અમે બીજા એક કરોડ કોરોના રસીના ડોઝનું ઉત્પાદન કરીશું. કોરિયન પ્રમુખ મુન જાઇએ જણાવ્યુ હતું કે અમે સમગ્ર ઇન્ડોપેસિેફિક રિજનમાં તમામ દેશોને રસી આપવાનું ધ્યેય ધરાવીએ છીએ.
દરમ્યાન જર્મનીમાં ચાન્સેલર એન્જેલા મર્કેલે લોકોને જવાબદારીપૂર્વક વર્તવાની શીખ આપી લોકડાઉનને હળવું બનાવ્યું છે. હવે બર્લિનમાં જે લોકો રસી પ્રમાણપત્ર રજૂ કરે તેમને બીયર ગાર્ડનમાં, કાફે અને રેસ્ટોરાંઓમાં જાહેરમાં ભોજન સર્વ કરવાની પરવાનગી આપવામાં આવી છે.
શુક્રવારે જર્મનીમાં 400 શહેરોમાં સાપ્તાહિક ચેપનું પ્રમાણ એક લાખે 100 કરતાં પણ ઓછું જતાં લોકડાઉનને હળવું કરવામાં આવ્યું છે. જર્મનીમાં ગુરૂવારે કોરોનાના નવા 8769 કેસો નોંધાયા હતા અને 226 મોત થવાને પગલે કુલ કોરોના મરણાંક 87,128 થયો હતો.
અત્યાર સુધીમાં જર્મનીની 40 ટકા વસ્તીને કોરોનાની રસીનો એક ડોઝ મુકી દેવામાં આવ્યો છે. દર આઠ વ્યક્તિએ એક વ્યક્તિને કોરોનાની સંપૂર્ણ રસી અપાઇ ગઇ છે. દરમ્યાન ભારતમાં પ્રસરેલા વેરીઅન્ટનો ચેપ કેનેડામાં ન પ્રસરે તે માટે કેનેડાએ ભાત અને પાકિસ્તાનથી આવતી ડાયરેક્ટ ફલાઇટ પરના પ્રતિબંધને એક મહિનો 21 જુન સુધી લંબાવ્યો છે.
એપ્રિલની 22મી તારીખે લાદવામાં આવેલો આ પ્રતિબંધ શનિવારે પુરો થવાનો હતો જેને હવે લંબાવવામાં આવ્યો છે. જો કે, કાર્ગો ફલાઇટ ચાલુ રહેશે અને ભારત અને પાકિસ્તાનના નાગરિકો કોરોના નેગેટિવ ટેસ્ટ રજૂ કરીને ત્રીજા દેશ મારફતે કેનેડા જઇ શકે છે. તેમને પખવાડિયું ક્વોરન્ટાઇનમાં રહેવું પડશે.
ફેબ્રુઆરી 2 અને 6 મે દરમ્યાન 279 હવાઇયાત્રીઓ કોરોના પોઝિટિવ જણાયા હતા જેમાં ઘણાને ભારતના વેરીઅન્ટ બી.1.617 નો ચેપ લાગેલો જણાયો હતો. કેનેડાના ટોચના આરોગ્ય અધિકારીએ આ પ્રતિબંધને યોગ્ય ગણાવતાં જણાવ્યું હતું કે કેનેડામાં 70 ટકા નવા કોરોના કેસ ભારતીય વેરીઅન્ટના જણાયા છે.