રાજકોટ રેંજ આઈજી જામનગરની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે ક્રાઈમ કોન્ફરન્સ યોજી હતી. આ ઉપરાંત લાલપુર એએસપી કચેરીની મુલાકાત પણ લીધી હતી.
રાજકોટ રેંજ આઈજી અશોકકુમાર વાર્ષિક ઈન્સ્પેકશન અર્થે જામનગર આવ્યા છે. આજે સવારે તેઓ જામનગર પહોંચતા જિલ્લા પોલીસવડા કચેરી ખાતે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ તેમનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યુ હતું. ત્યારબાદ જિલ્લા પોલીસવડા કચેરી ખાતે ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં રેંજ આઈજીએ જામનગર જિલ્લાની કાયદો અને વ્યવસ્થા સહિતની બાબતો અંગે જિલ્લા પોલીસવડા સહિતના અધિકારીઓ સાથે ચર્ચા – વિચારણા કરી હતી. આ ઉપરાં તેમણે લાલપુર એસપી કચેરીની મુલાકાત પણ લીધી હતી.
જામનગરના વાર્ષિક ઈન્સ્પેકશન દરમિયાન રેંજ આઈજી દ્વારા જામનગર જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલ કામગીરીની સમિક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જામનગર પોલીસ દ્વારા છેલ્લાં થોડા સમયમાં ગેરકાયદેસર દબાણ અંગે જે કાંઇ પણ પગલાં લીધા હતાં તે પ્રક્રિયા આગામી સમયમાં પણ ચાલુ રહેશે. ગેરકાયદેસર દબાણો કોઇપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. આ ક્રાઈમ કોન્ફરન્સમાં દરિયાઈ સીમા સુરક્ષા અંગે પણ ચર્ચા વિચારણા કરી સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા ચાલતી વ્યાજખોરી વિરૂધ્ધ સહિતની વિવિધ ઝુંબેશો પણ પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવે છે જે પણ ચાલુ રહેશે અને જામનગરના નાગરિકોને પણ જો આવી કોઇ ઘટના ધ્યાનમાં હોય તો પોલીસનો સંપર્ક કરવા તેમણે અપીલ કરી હતી. જામનગર પોલીસ તે દિશામાં કાર્યવાહી હાથ ધરશે.