જામનગર વિકાસ સપ્તાહના ઉજવણી પ્રસંગે જામનગર મહાનગરપાલિકા દ્વારા દેશના જવાનોને સમર્પિત અનોખું આર્ટ તૈયાર કરવામાં આવ્યું છે. “ઓપરેશન સિંદૂર” શીર્ષક હેઠળ બનાવાયેલા આ ચિત્રમય પ્રોજેક્ટ દ્વારા ભારતીય સેના, નૌસેના અને વાયુસેનાના જવાનોના રાષ્ટ્રરક્ષણમાંના અવિરત પ્રયાસોને અનુલક્ષીને તેમની નિષ્ઠા અને સમર્પણને કાયમી રૂપે અંકિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત કુલ 3 વીંગ – આર્મી, નેવી અને એરફોર્સને કેન્દ્રસ્થાને રાખીને 12 સ્થંભો પર 24 ચિત્રો તૈયાર કરવામાં આવ્યા છે. રણથી લઈને પાણી સુધી, દિવસથી રાત સુધી અને પર્વતોથી લઈને સરહદ સુધી – દરેક ચિત્ર ભારતીય સેનાના જવાનોના પરાક્રમ, સંઘર્ષ અને દેશપ્રેમની ઝાંખી આપે છે.
આ કૃતિને તૈયાર કરવા માટે 7 કલાકારો, 5 હેલ્પર અને 2 ડિઝાઇનર અને મેનેજમેન્ટ ટીમે સતત મહેનત કરીને માત્ર 35 દિવસમાં આ વિશાળ કલાપ્રયોગ પૂર્ણ કર્યો છે. રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતના કલાકારોએ મળીને આ પ્રોજેક્ટમાં પોતાનો યોગદાન આપ્યું છે. આ ચિત્રમય સ્થાપત્ય જામનગર શહેરના મધ્યમાં આવેલા સાત રસ્તા સર્કલ ખાતે સ્થાપિત કરવામાં આવ્યું છે. જ્યાં દરરોજ હજારો લોકો પસાર થાય છે. ઉપરાંત જામનગર આવતા-જતા દરેક નાગરિકને દેશના જવાનોની અવિરત સેવાનું સ્મરણ કરાવવાનો આ એક અનોખો પ્રયાસ છે.
મહાનગરપાલિકાની આ સર્જનાત્મક પહેલને રાજ્યના મૂળુભાઈ બેરાએ બિરદાવી હતી. આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, મહાનગરપાલિકાના કમિશનર દિનેશ મોદી, નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી એન્જીનિયર ભાવેશ જાની, પ્લાનિંગ વિભાગના રાજેન્દ્ર જાની સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેક્ટ જામનગર શહેરના સૌંદર્યમાં વધારો કરતો હોવાની સાથે સાથે રાષ્ટ્રપ્રેમ અને જવાનો પ્રત્યેની કૃતજ્ઞતાને વ્યક્ત કરતું એક પ્રેરણાસ્થાન બની રહ્યું છે.


