વ્હેલી ચૂંટણીની અટકળો વચ્ચે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કેબિનેટની બેઠકનો પ્રારંભ થયો છે. આ બેઠકને લઇને રાજ્યનું રાજકારણ ફરી ગરમાયું છે. કેબિનેટની બેઠક રૂટિન છે, કે પછી ચૂંટણી સંબંધિત કોઇ નિર્ણય લેવા માટે યોજવામાં આવી છે? તે અંગે ચર્ચાએ જોર પકડયું છે. છેલ્લા કેટલાંક સમયથી રાજ્યમાં વ્હેલી ચૂંટણી યોજવા અંગેની અટકળો થઇ રહી છે. એટલું જ નહીં ગત સપ્તાહે દિલ્હીમાં પ્રધાનમંત્રીના નિવાસે ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ચીફ સેક્રેટરી સહિતના નેતાઓ અને અધિકારીઓ સાથે લાંબી બેઠક યોજાઇ હતી. જેને લઇને રાજ્યમાં વ્હેલી ચૂંટણી માટે વિધાનસભા ભંગ કરવાની તૈયારીઓ થઇ રહી હોવા અંગનું એક ટ્વિટ પણ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કર્યું હતું. અત્યારે યોજાઇ રહેલી કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી ઉપરાંત રાજ્યના કેબિનેટમંત્રીઓ ઉપસ્થિત રહ્યાં છે. આ બેઠકનું શું પરિણામ આવે છે ? તે બેઠક પૂર્ણ થયા બાદ જ બહાર આવશે. પરંતુ બેઠકને લઇને રાજકીય ચર્ચાઓએ જોર પકડયું છે. દરમિયાન ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ પણ ગુજરાતમાં છે. જ્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ જામનગરથી ગાંધીનગર પહોંચી રહ્યાં છે. તેમજ મુખ્યમંત્રી સહિતના આ નેતાઓ આરએસએસના હેડ ક્વાર્ટર હેગડેવાર ભવનમાં મળશે.