ગેરકાયદે સ્ત્રોતમાંથી થતી કાળી કમાણીની ‘ગોઠવણ’ કરવામાં મદદ કરનારા ટેકસ પ્રોફેશ્નલ્સને આવી ‘હોશિયારી’ હવે ભારે પડી શકે છે. કાળી કમાણીને કાયદેસરના કરી દેવાના માર્ગ સુચવવાના કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ) કંપની સેક્રેટરી (સીએસ) અથવા કોસ્ટ એકાઉન્ટ પકડાશે તો તેઓને પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રીંગ એકટ હેઠળ આરોપી બનાવવામાં આવશે.
નાણાં મંત્રાલય દ્વારા ગત 3જી મે ના રોજ મની લોન્ડ્રીંગ કાયદામાં સુધારો કર્યો છે જે અંતર્ગત કાળા નાણાંથી મેળવાયેલી સ્થાવર મિલ્કતની ખરીદી-વેચાણમાં મદદ કરનારા, કલાયન્ટના કાળા નાણાં-બેનામી સંપતિને મેનેજ કરનારા, બેંક તથા સિકયુરીટીઝ એકાઉન્ટનું સંચાલન સંભાળનારા, કંપનીઓ ઉભી કરી દેનારા તથા તેના કામકાજ અને સંચાલન માટે નાણાં એકત્રીત કરવામાં મદદ કરનારા કરવેરા નિષ્ણાંતો-સલાહકારોને પણ મની લોન્ડ્રીંગ વિરોધી કાયદામાં સામેલ કરી દેવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારના સૂત્રોએ કહ્યું કે, વાસ્તવમાં સરકાર બનાવટી કંપનીઓનો રાફડો ફાટયો હોવાથી ચિંતીત છે. કોઈ કારોબાર વિના જ સ્થપાયેલી આવી કંપનીઓનો ઉદેશ કાળાનાણાને કાયદેસરના બનાવવાનો જ હોય છે.
આ કંપનીની માલીકી ‘મલ્ટીલેયર’ રખાતી હોવાથી અસલી સૂત્રધાર સુધી પહોંચવામાં તપાસ એજન્સીઓને પણ આંખે અંધારા આવી જાય છે. તપાસ એજન્સીઓની છેલ્લા વર્ષોની કાર્યવાહીમાં સમગ્ર ખેલમાં ટેકસ પ્રોફેશ્નલ્સની ભૂમિકા પણ ખુલી હતી જેને પગલે આ નિર્ણય લેવાયો છે.
મની લોન્ડ્રીંગ કાયદામાં સામેલ કરી દેવાયા છતાં ટેકસ પ્રોફેશ્નલ્સને ગભરાવવાની કોઈ જરૂર ન હોવાનો સૂર નિષ્ણાંતોએ દર્શાવ્યો છે. તેઓના કહેવા પ્રમાણે કલાયન્ટ માટે કામ કરનારા પ્રોફેશ્નલને કોઈ ચિંતા નથી પરંતુ કોઈ વ્યવહારમાં ભાગીદારી કે સીધી સંડોવણી હોય તો કાયદો લાગુ પડી શકે છે.
ટેકસ પ્રોફેશ્નલ કલાયન્ટના નાણાનું અથવા રોકાણનું સંચાલન કરતા હોય તો મની લોન્ડ્રીંગ કાયદાની જોગવાઈઓ ધ્યાને રાખવી પડે. જાણકારોએ એમ કહ્યું કે ટેકસ પ્રોફેશ્નલોએ મની લોન્ડ્રીંગ જેવી પ્રવૃતિઓને પ્રોત્સાહન મળતુ હોય તેવા કામથી જ દુર રહેવુ જોઈએ. બાકી બનાવટી કંપનીઓ બનાવવા કે તેના માટે નાણાં એકત્રિત કરવામાં મદદ કરે તો કાયદા મુજબ કાર્યવાહી થાય જ.