બિપોરજોય વાવાઝોડાના કારણે કચ્છ સહિત 8 જિલ્લામાં ઉર્જા વિભાગને સૌથી વધુ માળખાકીય નુકસાન થવા પામ્યું હતું. સબ સ્ટેશનોનો વીજ પુરવઠો બંધ થઈ જવાથી લઈને 4945 ગામમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો.
તેમાંથી 4863 ગામ અને 35 ટાઉનમાં વીજ પુરવઠો પુન: સ્થાપિત કરવામાં આવ્યો હોવાનું ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે. કચ્છ, જામનગર અને દ્વારકા સિવાયના જિલ્લાઓમાં 90 ટકા અસરગ્રસ્ત કૃષિ ગ્રાહકોનો વીજ પુરવઠો પુન: સ્થાપિત કરી દેવાયો છે અને બાકીના ત્રણ જિલ્લામાં પણ આ સપ્તાહમાં વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે. વાવાઝોડુ અને તોફાની વરસાદના કારણે કચ્છ, બનાસકાંઠા જિલ્લો તેમજ અન્ય જિલ્લામાં હજુ પણ મોટાપાયે પાણી ભરાયેલા છે, તે સ્થિતિમાં ઉર્જા વિભાગના કર્મચારીઓ-અધિકારીઓ અને ઈજનેરો કેડ સમા પાણીમાં જઈને વીજ થાંભલા ઉભા કરવાથી લઈને ભારે દબાણના વીજ ટાવરને કાર્યરત કરવાની કામગીરી કરી રહ્યા છે. ગાંધીનગરથી ઉર્જા વિભાગ દ્વારા પણ યુદ્ધના ધોરણે જે 82 ગામ અને અન્ય સ્થળે વીજ પુરવઠો ખોરવાયેલો છે તે ચાલુ કરવા સતત મોનીટરીંગ કરાઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છના 8 સૌથી વધુ અસરગ્રસ્ત અને ઉતર ગુજરાતના પાટણ-બનાસકાંઠા એમ બે જિલ્લામાં વાવાઝોડા પુર્વે આગોતરા આયોજનના ભાગરૂપે જીયુવીએનએલ અને પીજીવીસીએલના ઉચ્ચ અધિકારી- ઈજનેરોને જવાબદારી સોંપી અન્ય વીજ કંપનીઓના વધારાની ટીમ, કોન્ટ્રાકટરોના કર્મીઓને માલસામાન સાથે મોકલી અપાતા વાવાઝોડાના બીજા દિવસથી જ પુરવઠો ચાલુ કરવાની કામગીરી ત્વરીત શરૂ કરાઈ હતી. ઉર્જા મંત્રી કનુભાઈએ વધુમાં જણાવ્યું હતું કે 66 કેવીના 243 સબ સ્ટેશનો વીજ પુરવઠો બંધ થઈ ગયા હતા તે પૈકી 240 સબ સ્ટેશનમાં વીજ પુરવઠો પુન: સ્થાપિત કરી દેવાયો છે. બાકી 3માં હાલ અન્ય ફીડર અને લીંક લાઈનથી વિજળી આપવાનું શરૂ કરી દેવાયું છે. ગેટકો અને તમામ ડિસ્કોમની છ હજારથી વધુ કર્મીઓ સાથેની કુલ 1089 ટીમ સાધનો સાથે કાર્યરત છે. બાકીના 82 ગામમાં પણ વહેલી તકે વીજ પુરવઠો ચાલુ કરવાની કામગીરી ચાલી રહી છે. પાણી ઓસરતા જશે તે ગામમાં તુરંત પુરવઠો પુન: સ્થાપિત કરવામાં આવશે.