સમગ્ર ગુજરાતમાં કોરોના અને લોકડાઉનના કારણે ઘણાં બધાં વ્યવસાયોમાં મોટી નુકસાની ગઇ છે. બેરોજગારી, રોજગારીમાં ઘટાડો તથા લોકડાઉન જેવાં કારણોસર લાખો લોકોના ખિસ્સા ખાલી થઇ ગયા હતા. આ પરિસ્થિતિમાં ગુજરાતમાં ટેલીકોમ કંપનીઓને પણ માર પડયો છે.
ટ્રાઇ દ્વારા સમગ્ર ગુજરાતનો મોબાઇલ તેમજ બ્રોડ બેન્ડના ગ્રાહકોનો, એપ્રિલથી નવે. 2020 સુધીનો માસીક ડેટા જાહેર કરવામાં આવ્યો છે. આ ડેટા જણાવે છે, રાજયમાં આ સમયગાળા દરમ્યાન મોબાઇલના 3,58,000 હજાર થી વધુ અને બ્રોડ બેન્ડના 36,000થી વધુ ગ્રાહકો ઘટી ગયા હતા. મોબાઇલની વાત કરીએ તો માત્ર એક એપ્રિલ મહિનામાં જ 11,00,000થી વધુ ગ્રાહકો ઘટી ગયા હતા.મે મહિનામાં પણ 6લાખથી વધુ ગ્રાહકો મોબાઇલથી દૂર રહ્યા હતા.આ ઉપરાંત ગત્ સપ્ટેમ્બર મહિનામાં પણ 2,60,000થી વધુ ગ્રાહકો નાણાંભીડને કારણે મોબાઇલનો ઉપયોગ કરતા ન હતા.
બ્રોડ બે્ન્ડની વાત કરીએ તો સૌથી વધુ એપ્રિલ મહિનામાં 50,000થી વધુ જોડાણો બંધ થઇ ગયા હતા. આ ઉપરાંત જુલાઇ મહિનામાં 6000થી વધુ બ્રોડ બેન્ડ કનેકશન રદ થયા હતા. એ જ રીતે ફરી નવેમ્બર 2020માં 2,500 જેટલા ગ્રાહકોને બ્રોડ બેન્ડને ટાટા કહી દીધું હતું.
જોકે, દિવાળીના પર્વ સમયે મોબાઇલ ધારકો અને બ્રોડ બેન્ડ ધારકોની સંખ્યામાં થોડો ઉછાળો આવ્યો હતો. પરંતુ એકંદરે 2020ના આ પાછલાં 9 મહિના દરમ્યાન ટેલિકોમ કંપનીઓએ મોટી નુકસાની સહન કરવી પડી હતી.