ભાણવડમાં રહેતા એક પરિવારના મકાનમાં શનિવારે રાત્રિના સમયે તસ્કરોએ ખાબકી આ મકાનમાં રાખવામાં આવેલા સોનાના દાગીના તેમજ રૂા. 60 હજારની રોકડ રકમ સહિત કુલ રૂા. 5.84 લાખની માલ-મત્તા ઉસેડી ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણની ભાણવડ પોલીસ દફતરમાં જાહેર થયેલી વિગત મુજબ ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ગામના મૂળ વતની અને હાલ ભાણવડની ઓમકાર ગ્રીન ગાર્ડન સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા તથા ખાનગી ક્લિનિક ચલાવતા નગાભાઈ ઉર્ફે નયનભાઈ દેવાણંદભાઈ રાવલીયા નામના 33 વર્ષના આહિર યુવાન ગત તા. 11 મી ના રોજ રાત્રિના સમયે વાળુ-પાણી કરીને સુતા હતા. ત્યાર બાદ રાત્રિના ત્રણથી રવિવારે સવારે છ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈ તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો હતો. આ મકાનના રસોડાના બંધ દરવાજાનો આગરીઓ તોડી અને પ્રવેશેલા તસ્કરોએ તેમના મકાનમાં રહેલા લાકડાનો કબાટ ખોલી તેમાં રાખવામાં આવેલા કપડાં વિગેરે વેરવિખેર કરી નાખ્યા હતા.
આ લાકડાના કબાટમાં રાખવામાં આવેલા સોનાના દાગીના તેમજ રોકડ રકમ તેઓને જોવા મળી ન હતી. આથી તેઓએ તેમના રૂપિયા 2,73,059 ની કિંમતના 45.870 ગ્રામ વજનના સોનાના બે હાર, રૂા. અઢી લાખ રૂપિયાની કિંમતનો આશરે 8 તોલાનો અન્ય એક હાર, રૂ. 500 ની કિંમતનો ખોટી ધાતુનો પીળો હાર ઉપરાંત રૂા. 60,000 ના મુદ્દામાલની ચોરી થયાનું પ્રકાશમાં આવ્યું હતું.
આમ, કુલ રૂા. 5,83,559 ના મુદ્દામાલની ચોરી થવા સબબ ભાણવડ પોલીસે નગાભાઈ ઉર્ફે નયનભાઈ રાવલિયાની ફરિયાદ પરથી આઈ.પી.સી. કલમ 380 તથા 457 મુજબ ગુનો નોંધ્યો છે. આ પ્રકરણમાં ડી.વાય.એસ.પી. ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. પી.ડી. વાંદા તથા સ્ટાફ દ્વારા વિવિધ દિશાઓમાં આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.