ખંભાળિયા તાલુકાના ભંડારીયા ગામનો યુવાન ભાણવડના ગુંદલા ગામ નજીકથી બુલેટ પર જતો હતો તે દરમિયાન કાર સાથે બુલેટ અથડાતા યુવાનનું મોત નિપજ્યું હતું. કોડીનાર તાલુકાના વતની એવા યુવાન ઓખામાં આર.કે. જેટી પાસે બોટ પર ચડતા સમયે પગ લપસી જતા દરિયાની પાટ વાગતા મોત નિપજ્યું હતું. જામનગરના આમરા ગામના પ્રૌઢનું ખંભાળિયામાં હૃદયરોગનો હુમલો આવતા મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, ખંભાળિયા તાલુકાના ભંડારીયા ગામે રહેતા નારણભાઈ કરસનભાઈ ભાટીયા નામના યુવાન ગઈકાલે ગુરુવારે તેમના જીજે-10-સીજે-7586 નંબરના બુલેટ મોટર સાયકલ લઈને જઈ રહ્યા હતા, ત્યારે પૂરઝડપે અને ગફલતભરી રીતે પોતાનું બુલેટ મોટરસાયકલ ચલાવી અને ભાણવડ નજીક ગુંદલા ગામના પાટીયા પાસેના માર્ગ પર બુલેટ ચાલક નારણભાઈએ આગળ જઈ રહેલી જી.જે. 37 જે. 6843 નંબરની અલ્ટો મોટરકાર સાથે પોતાનું બુલેટ અથડાવતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત નારણભાઈ ભાટીયાનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે કારના ચાલક વિક્રમભાઈ પરબતભાઈ કરમુરની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે બુલેટ ચાલક નારણભાઈ કરસનભાઈ ભાટીયા સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી કરી હતી.
બીજો બનાવ, ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મૂળ રહીશ એવા વેલજીભાઈ જીવાભાઈ ચાવડા નામના 43 વર્ષના માછીમાર યુવાન ગઈકાલે ગુરુવારે સાંજના સમયે ઓખામાં આર.કે. બંદર વિસ્તારમાં આવેલી આર.કે. જેટી પાસે તેમની બોટ પર ચડતી વખતે તેમનો પગ લપસી જતા તેઓ પટકાઈ પડ્યા હતા. જેના કારણે તેમને દરિયાની પાટ (પથ્થર) માથામાં વાગી જતા તેમને ગંભીર ઇજાઓ થવા પામી હતી. જેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે ઉના તાલુકાના કારૂભાઈ ભાણાભાઈ મજીઠીયા એ ઓખા મરીન પોલીસમાં જરૂરી નોંધ કરાવી છે.
ત્રીજો બનાવ, જામનગર તાબેના આમરા ગામે રહેતા સવજીભાઈ રાજાભાઈ મધોડીયા નામના 53 વર્ષના આધેડને ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં આવેલી એક હોટલ પાસે હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાની જાણ પુત્ર પિયુષભાઈ સવજીભાઈ મધોડીયાએ અહીંની પોલીસને કરી છે.