દેશમાં બની રહેલા ધારાસભાઓની ચૂંટણીના વાતાવરણ તથા 2024થી લોકસભા ચૂંટણીની પુર્વ તૈયારી વચ્ચે આવતીકાલથી શરૂ થનાર સંસદનું બજેટ સત્ર મહત્વનું બની રહેશે. કેન્દ્રની મોદી સરકારનું આ સતત નવમું અને બીજી ટર્મનું ચોથુ બજેટ છે. તા.1ના રોજ રજુ થશે અને તે પુર્વે આજે સંસદ ભવનના એનકસીમાં સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોષીના અધ્યક્ષસ્થાને સર્વપક્ષીય બેઠક મળશે.
જેમાં કામકાજના નિશ્ર્ચિત થયેલા એજન્ડા પર ચર્ચા થશે અને ખાસ કરીને કાલે રજૂ થનારા આર્થિક સર્વે તથા તા.1ના રોજ રજૂ થનારા કેન્દ્રીય બજેટ માટે પુરતો સમય ફાળવવા પ્રથમ બે દિવસ પ્રશ્ર્નકાળ સ્થગીત રહેશે. સંસદના આ બજેટ સત્રનો પ્રથમ તબકકો આવતીકાલથી તા.13 ફેબ્રુઆરી સુધી ચાલશે. તા.1ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારામન તેમનું ચોથુ બજેટ રજૂ કરશે.
ખાસ કરીને 2024ની લોકસભા ચૂંટણી પુર્વે આ અંતિમ પુર્ણ બજેટ હશે અને તેથી મોદી સરકાર હવે ‘રેવડી-કલ્ચર’ અપનાવે છે કે પછી અત્યંત ટાઈટ નાણાકીય સ્થિતિ જોતા રાજકોષીય ખાધ વિ.ની ચિંતા કરશે. તેના પર સૌની નજર છે. આજે સર્વપક્ષીય બેઠક બાદ સરકારના શાસક એનડીએના સાથી પક્ષોની પણ બેઠક મળશે.
જયારે વિપક્ષની બેઠક આજે મોડી સાંજે અથવા કાલે મળશે. આજે જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા કાશ્મીરમાં પુરી થનાર છે અને તેમાં વિપક્ષના અનેક નેતાઓ ઉપસ્થિત રહેશે. વિપક્ષો હવે કઈ રીતે ફલોર સ્ટ્રેટેજી ઘડે છે તેના પર સૌની નજર છે.
કાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંસદના બન્ને સદનોને સંયુક્ત રીતે સંબોધન કરશે. કાલથી તા.6 એપ્રિલ સુધીના આ સત્રમાં 66 દિવસમાં 27 બેઠકો થશે. પ્રથમ તબકકો તા.13 ફેબ્રુઆરીએ પુરો થયા બાદ તા.12 માર્ચ સુધી રજા રહેશે અને બાદમાં બીજો તબકકો શરૂ થશે જે તા.6 એપ્રિલ સુધી ચાલશે.