નવરાત્રિના પવિત્ર તહેવાર દરમિયાન ધ્રોલ તાલુકાના હજામચોરા ગામના વાડી વિસ્તારમાં આવેલા ખેતરમાં શ્રમિક પરિવારના ભાઈ-બહેનને તેની નાની બહેન મારી નાખશે તેવા ભયમાં પંદર વર્ષની બાળકીને છરી અને લાકડીના ઘા ઝીંકી દિવાલમાં માથા પછાડી ક્રુર હત્યા નિપજાવ્યાના બનાવે સમગ્ર હાલારમાં હાહાકાર મચાવી દીધો છે.
અંધશ્રદ્ધાની ચરમસીમા વટાવી જવાના બનાવની વિગત મુજબ, ધ્રોલ ગામથી 18 કિ.મી. દૂર આવેલા હજામચોરા ગામની સીમમાં બિપીનભાઈ પટેલના ખેતરમાં દાહોદના છગનભાઈ તળવીનો પરિવાર ખેતમજૂરી કરતો હતો. તળવી પરિવારના ત્રણ સંતાનો પૈકીના રાકેશ અને તેની બહેન સવિતા નામના બંને ભાઈ-બહેનને તેની સગી નાની બહેન શારદા (ઉ.વ.15) નામની બાળકી પતાવી દેશે તેવા ભયમાં ખેતરની ઓરડીમાં માતાજીના પાઠ કરી ક્રુર હત્યા નિપજાવ્યા બાદ હત્યારા ભાઈ-બહેન 24 કલાક લાશ પાસે ધુણતા રહ્યા હતાં. બનાવની વિગત મુજબ રાકેશ છગન તળવી તેની પત્ની અને બહેનો સાથે ખેતરમાં મજૂરી કામ કરતો હતો. દરમિયાન બુધવારે રાકેશ તળવી અને તેની બહેન સવિતાએ તેની નાની બહેન શારદા (ઉ.વ.15) ને ઓરડીમાં માતાજીના પાઠ નાખીને ધુણતા હતાં અને અપસુકનિયાળ બહેન શારદાને નિવસ્ત્ર કરી સુવડાવી દઇ સગા ભાઈ-બહેને લાકડી અને છરીના આડેધડ ઘા ઝીંકી લોહી લુહાણ કરી નાખી હતી તેમજ લોહી લુહાણ હાલતમાં શારદાને ઢસડીને ઓરડીની બહાર ઓસરીમાં લઇ આવી હતી. જ્યાં લોખંડના ખાપિયામાં અને દિવાલમાં માથુ પછાડી શારદાની ક્રુર હત્યા નિપજાવી હતી. બાળકી ઉપર કરાયેલા અત્યાચારને કારણે બાળકીની ચીસા ખેતરના સુમસામ વિસ્તારોમાં ગુંજી ઉઠી હતી.
બાળકીની મરણ ચીસો સાંભળીને ખેતરના માલિક બિપીનભાઈ દ્વારા આ અંગે પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પીએસઆઈ પી જી પનારા અને સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. જ્યાં સ્થળ પર પહોંચતા પોલીસ પણ અવાચક બની ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળેથી બાળકીના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલ્યો હતો અને ત્યારબાદ પોલીસે રાકેશ છગન તળવી અને તેની બહેન સવિતાની ધરપકડ કરી હતી. જો કે, સવિતા સગીર હોવાથી તેને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલવામાં માટે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે દાહોદમાં રહેતાં મૃતક શારદાબેનના માતા-પિતાને જાણ કરી તાત્કાલિક ધ્રોલ બોલાવ્યા હતાં. જ્યાં પોલીસે તેના માતા-પિતાને મૃતદેહનો કબ્જો સોંપી હતિયારા સગા ભાઈ-બહેન વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.