જામજોધપુર તાલુકાના ગોરખડી ગામમાં રહેતાં ખેડૂત યુવાનને તેના ભાઈ સાથે ચાલતા જમીન વિવાદ બાબતનો ખાર રાખી યુવાનના સગાભાઈએ ઘરમાં ઘૂસી મહિલાને અપશબ્દો બોલી છરી વડે હુમલો કરી ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના ગોરખડી ગામમાં રહેતા અને ખેતી કરતા ધીરુભાઈ ગંગદાસભાઈ વસોયા (ઉ.વ.45) નામના યુવાનને તેના સગાભાઈ મગન ગંગદાસ વસોયા સાથે જમીન વિવાદ ચાલતો હતો આ જમીન વિવાદનો ખાર રાખી ગુરૂવારે સવારના સમયે મગન વસોયાએ તેના ભાઈના ઘરમાં ઘુસી ધીરુભાઈ તથા મમતાબેનને પતાવી દેવાની ધમકી આપી હતી. તેમજ મમતાબેનને અપશબ્દો બોલી તેણી ઉપર છરીના ઘા ઝીંકી માથામાં તથા છાતીના ભાગે ઈજાઓ પહોંચાડી હતી. હુમલાની ઘટનામાં ઘવાયેલા મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ ધીરુભાઈ દ્વારા કરાતા પીએસઆઈ આર.એલ. ઓડેદરા તથા સ્ટાફે તેના જ સગાભાઈ મગન વિરૂધ્ધ ધમકી અને હુમલાનો ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.