આઝાદી બાદ પ્રથમ વખત ગાંધીની ભૂમિ ગુજરાતમાં કોઇ અંગ્રેજ વડાપ્રધાનનું આગમન થયું છે. બાપુએ જે અંગ્રેજોને દેશ છોડવાની ફરજ પાડી હતી. તે અંગ્રેજ વડાપ્રધાન બોરિસ જોનસને અમદાવાદમાં આજે ગાંધી આશ્રમમાં સ્વદેશી મુવમેન્ટના પ્રતિક સમાન રેટિયો કાંત્યો હતો. ગાંધી આશ્રમની મુલાકાત દરમ્યાન બ્રિટિશ વડાપ્રધાને આ મહામાનવને વંદન કર્યા હતા. બ્રિટીશ વડાપ્રધાન બોરિસ જોનસનની ભારત યાત્રાનો અમદાવાદથી પ્રારંભ થયો છે. ભાજપના બે દિવસના પ્રવાસે આવેલા બ્રિટનના વડાપ્રધાનનું આજે સવારે એરપોર્ટ પર રાજ્યપાલ દેવવ્રત અને મુખ્યમંત્રી પટેલ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ઢોલ-નગારા સાથે તેમને આવકાર આપવામાં આવ્યો હતો. એરપોર્ટ પર સ્વાગત વિધિ પતાવ્યા બાદ વડાપ્રધાન જોનસન આશ્રમ રોડ સ્થિત હોટલ હયત રીજન્સી ગયા હતા જે દરમિયાન રસ્તાની બંને બાજુએ લોકોએ તેમને ગુજરાતી પરંપરા અનુસાર આવકાર આપ્યો હતો. તેઓએ કારમાંથી લોકો સમક્ષ હાથ હલાવી અભિવાદન જીલ્યું હતું. હોટલ ખાતે ટુંકું રોકાણ કર્યા બાદ તેઓ ગાંધી આશ્રમ ગયા હતા. જ્યાં તેમણે પૂ. બાપુની પ્રતિમાને વંદન કરી વિવિધ વિભાગોની મુલાકાત લઇ વિગતો જાણી હતી. બાદમાં તેઓ શાંતિગ્રામ ગયા હતાં.
જ્યાં ગૌતમ અદાણી સાથે બેઠક યોજી હતી. તેઓ હાલોલ પણ જવાના છે. એટલું જ નહિ અક્ષરધામ અને ગુજરાત બાયોટેકનોલોજી યુનિ.ની પણ મુલાકાત લેવાના છે. તેઓ મોડી સાંજે દિલ્હી જશે અને કાલે પીએમ મોદીને મળશે.
અહીં બંને નેતાઓ યુકે અને ભારતની વ્યૂહાત્મક સંરક્ષણ, રાજદ્વારી અને આર્થિક ભાગીદારી પર ઊડાણપૂર્વક વાતચીત કરશે. તેનો હેતુ ઈન્ડો-પેસિફિકમાં ગાઢ ભાગીદારીને પ્રોત્સાફન આપવા અને સુરક્ષા સહયોગને આગળ વધારવાનો છે. બ્રિટિશ વડા પ્રધાન વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથે પણ વાતચીત કરશે. તે જ દિવસે બપોરે લગભગ 1 વાગ્યે બંને પક્ષો હૈદરાબાદ હાઉસ ખાતે પ્રેસ નિવેદનો આપશે. બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સન તેમની મુલાકાત દરમિયાન ભારતને રશિયન તેલ અને સંરક્ષણ સાધનો પર નિર્ભરતા ઘટાડવામાં મદદ કરવાની ઓફર કરશે. મુક્ત વેપાર વાટાઘાટો માટે જહોન્સનની મુલાકાત પીએમ મોદીના ગૃહ રાજય ગુજરાતથી શરૂ થવાની છે, જયાં તેઓ બ્રિટિશ પેઢી દ્વારા ખોલવામાં આવી રહેલી નવી ફેક્ટરીની મુલાકાત લેશે અને વિજ્ઞાન, આરોગ્ય અને ટેકનોલોજીમાં રોકાણ અને સહકારની જાહેરાત કરશે.
આ સદીની શરૂઆતમાં બ્રિટન ભારતનું ત્રીજું સૌથી મોટું વેપારી ભાગીદાર હતું, પરંતુ ગયા વર્ષે તે 17માં સ્થાને સરકી ગયું છે. ભારતના સૌથી મોટા વેપારી ભાગીદારો અમેરિકા, ચીન અને સંયુક્ત આરબ અમીરાત છે. જહોન્સન બ્રિટિશ અને ભારતીય વ્યવસાયો દ્વારા સોફટવેર એન્જિનિયરિંગથી ફાર્માસ્યુટિકલ્સ સુધીના ક્ષેત્રોમાં નવા રોકાણ અને નિકાસ કરારો જાહેર કરે તેવી અપેક્ષા છે, જે કુલ ઈં 7,600 કરોડથી વધુ છે. બ્રિટિશ ભ્પ્એ તેમની મુલાકાત પહેલા સંકેત આપ્યો છે કે તેઓ મુક્ત વેપાર કરારના બદલામાં આ વર્ષે ભારતમાં વધુ વિઝા લંબાવવા માટે તૈયાર છે જે વાર્ષિક દ્વિપક્ષીય વેપારને અબજો પાઉન્ડનો વધારો કરી શકે છે.બોરિસ જહોન્સનની આજે ભારતની મુલાકાત બંને દેશો વચ્ચે મુક્ત વેપાર કરાર (જવ) પર વાટાઘાટોને વેગ આપશે તેવી અપેક્ષા છે. બંને પક્ષો 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણા કરવા આતુર છે.
ભારત અને યુકેએ આ વર્ષે જાન્યુઆરીમાં મુક્ત વેપાર કરાર પર વાટાઘાટો શરૂ કરી હતી. સૂત્રોએ જણાવ્યું કે બંને દેશોએ વાટાઘાટોના પ્રથમ બે રાઉન્ડમાં કેટલાક મુદ્દાઓ ઉકેલી લીધા છે અને ત્રીજા રાઉન્ડની વાતચીતમાં માર્કેટ એક્સેસ સંબંધિત કેટલાક મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે.