- Advertisement -
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે રહેતા એક આસામીને રૂપિયા પાંચ લાખની રકમ વ્યાજે આપી, તેનું તોતિંગ વ્યાજ વસૂલ કરવા ઉપરાંત કોરા ચેક મેળવી તેમાં મોટી રકમ ભરી, અને બાદમાં ચેક બાઉન્સ કરાવીને સુનિયોજિત રીતે કૌભાંડ આચરીને કિંમતી જમીન પચાવી પાડવાના ચકચારી બનાવના બે આરોપીઓ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદમાં અદાલત દ્વારા બન્ને આરોપીઓના બીજી વખત જામીન નામંજુર કરવામાં આવ્યા છે.
આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ભાણવડ તાલુકામાં રહેતા ફરિયાદી ચેતનભાઈ અરસીભાઈ સોલંકી તથા તેમના ભાઈને રોઝીવાડા ગામના વશરામ કેશા પાથર અને ભાણવડના રહીશ મનસુખ સવજી નકુમ નામના બે શખ્સોએ મીલીભગત કરીને રૂપિયા 5,00,000 ની રકમ વ્યાજે આપી હતી. ત્યારબાદ ચક્રવૃદ્ધિ વ્યાજ સાથેની મોટી રકમ તેઓએ મેળવી લીધા પછી પણ બ્લેન્ક ચેકમાં સહી કરાવી, આ ચેકમાં મોટી રકમ ભરી અને બેંકમાં ભરવામાં આવતા આ ચેક બાઉન્સ થયા હતા. આથી બન્ને ભાઈઓ સામે ઉપરોક્ત બંને શખ્સો વશરામ કેશા તથા મનસુખ સવજી દ્વારા ચેક રિટર્ન અંગે કોર્ટમાં દાવો દાખલ કર્યા પછી પણ ફરિયાદી બંધુઓને ધાક-ધમકી આપી અને આશરે રૂ. એકાદ કરોડ જેટલી કિંમતની 23 વીઘા ખેતીની જમીન પચાવી પાડવામાં આવી હતી. જે સંદર્ભે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ધોરણસર પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.
આના અનુસંધાને તપાસનીસ ડી.વાય.એસ.પી. હિરેન્દ્ર ચૌધરી દ્વારા આરોપીઓની ધરપકડ બાદ ઊંડાણપૂર્વકની તપાસ તથા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી. આ પ્રકરણના ઉપરોક્ત બંને આરોપીઓએ પ્રથમ રેગ્યુલર જામીન અરજી કરી હતી. જે જામીન અરજી અદાલતે સૌગાંદનામાને ધ્યાને લઇ તથા તપાસ ચાલુ હોવાથી નામંજૂર કરી હતી. ત્યારબાદ પુરાવાઓ એકત્ર કરી અને બંને આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જેમાં આરોપી શખ્સ દ્વારા અદાલતમાં બીજી વખત જામીન અરજી રજૂ કરવામાં આવી હતી.
જે સંદર્ભે તપાસનીસ અધિકારીની ટીમ દ્વારા અસરકારક સોગંદનામું રજૂ કરી અને આરોપીઓ વશરામ કેશા પાથર અને મનસુખ સવજી નકુમને જામીન ઉપર નહીં છોડવા સંદર્ભેના વિવિધ કારણો તથા પુરાવાઓ રજૂ કરવામાં આવતા તેને ધ્યાને લઇ અને નામદાર અદાલતે બીજી વખતની જામીન અરજી પણ ફગાવી દીધી હતી.
સ્પેશિયલ સેશન્સ કોર્ટ દ્વારા જણાવાયું હતું કે- “ચાર્જશીટ થઈ જવા માત્રથી આ ગુનાની ગંભીરતામાં કોઇ ઘટાડો થતો નથી. બોગસ દસ્તાવેજો બનાવી, છળકપટ કરી અને જમીન પચાવી પાડવામાં આવી હોવાનું ચાર્જશીટમાં સ્પષ્ટ રીતે જણાઈ આવે છે”.
લેન્ડ ગ્રેબિંગના આ ચકચારી અને મહત્વના પ્રકરણ સંદર્ભે અહીંના ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરી, સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમના એ.એસ.આઈ. શક્તિરાજસિંહ જાડેજા, એ.એસ.આઈ. ડી.ડી. પટેલ તથા હેડ કોન્સ્ટેબલ હરદાસભાઈ ચાવડાએ નોંધપાત્ર કાર્યવાહી કરી હતી.
- Advertisement -