કોરોનાકાળમાં ભગવાન પછી જેને ધરતી પરના ભગવાન ગણવામાં આવે છે તેવા દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત રાજ્યના દસ જિલ્લાના બોન્ડેડ મેડીકલ ઓફિસર્સ, એમબીબીએસ ડોકટર્સ ચાર ચાર માસથી પગાર વિહોણા રહેતા આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. રાજ્ય સરકાર દ્વારા કોરોનાના કપરાકાળમાં આરોગ્ય વિભાગમાં સામૂહિક રીતે નવા એમબીબીએસ ડોકટર્સ બનેલા તબીબોને રાજ્યમાં અનેક જગ્યાએ સરકારી હોસ્પિટલો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં થોડાં સમય પહેલાં નિમણૂંક કરવામાં આવી હતી. ચાર-ચાર માસથી આ નવી નિમણૂંક પામેલ બોન્ડેડ તબીબો દ્વારા કોરોના ક્ષેત્રે ઉમદા કામગીરી કરવામાં આવે છે તથા વર્ષોથી ખાલી રહેલી જગ્યાઓ ભરવામાં આવી છે. ત્યારે આવી નવી નિમણૂંક પામેલા ડોકટર્સ પૈકી દસ જિલ્લાના બોન્ડેડ ડોકટર્સ ચાર-ચાર માસથી પગાર વિહોણા રહેતા તેઓ આર્થિક મુશ્કેલીમાં મૂકાય છે. જો કે, રાજ્યભરમાં નિમણૂંક પામેલા આવા બોન્ડેડ ડોકટર્સ પૈકી દેવભૂમિ દ્વારકા સહિત દસ જિલ્લામાં જ પગાર અપાયો નથી. જયારે અન્ય જિલ્લાઓમાં પગાર કરાયો હોય અસરગ્રસ્ત તબીબોમાં અસંતોષની લાગણી ફેલાઈ છે. એક તરફ ઉત્સવપ્રેમી સરકાર અલગ અલગ ઉત્સવો યોજી જનતાના કરોડો રૂપિયાનો ધૂમાડો કરી રહી છે ત્યારે ખરા અર્થમાં કોરોના વોરિયર્સ તરીકે જવાબદારી નિભાવનારા ડોકટર્સની પગાર જેવી મૂળભૂત જરૂરિયાત પ્રત્યે હજુ સુધી જરૂરી સંવેદનશીલતા દાખવી ન હોવાનો મત આરોગ્ય વિભાગના વર્તુળોમાં ચર્ચાઈ રહ્યો છે. સમગ્ર મામલે દ્વારકા જિલ્લાના આરોગ્ય અધિકારીડો. રાજ સુતરિયાને પૂછતા તેઓએ આવા બોન્ડેડ ડોકટર્સના પગારો ચૂકવાયા ન હોવાનું કબુલ્તા ગ્રાન્ટના અભાવે પગાર થયા ન હોવાનું જણાવ્યું હતું. વધુમાં ગ્રાન્ટ આવ્યે આગામી બેંક દિવસમાં જ આવા ડોકટર્સના પગાર થઈ જશે તેમ ઉમેર્યુ હતું.