જામનગર શહેરમાં ક્ષાર અંકુશ પેટા વિભાગમાં ફરજ બજાવતા પ્રૌઢ કર્મચારી ઘરેથી લાપતા થયા બાદ ખારાબેરાજા નજીક બંધારો ડેમ પાસે ઝાડની ડાળીઓમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરેલો મૃતદેહ મળી આવતા પોલીસે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહને પીએમ માટે મોકલી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં મેહુલનગર એમ્યુઝમેન્ટ પાર્ક પાસે પ્રગતિપાર્ક વિસ્તારમાં આવેલા શ્રીપેલેસ એપાર્ટમેન્ટના 103 નંબરના ફલેટમાં રહેતાં અને ક્ષાર અંકુશ પેટા વિભાગમાં ફરજ બજાવતા જયસુખભાઈ વેલજીભાઈ કાનાણી (ઉ.વ.54) નામના પટેલ પ્રૌઢ તેના ઘરેથી લાપતા થયા બાદ પરિવારજનો દ્વારા પ્રૌઢની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ સફળતા નહીં મળતા સીટી સી ડીવીઝનમાં ગુમનોંધ લખાવી હતી. પરંતુ ત્યારબાદ પ્રૌઢ કર્મચારીનું બાઈક જામનગરથી 12 કિ.મી. દૂર આવેલા ખારાબેરાજા બંધારો ડેમ નજીકથી મળી આવતા તે દિશામાં તપાસ હાથ ધરતાં જયસુખભાઈ કાનાણીનો મૃતદેહ ડેમ નજીક ઝાડની ડાળીઓમાં શર્ટ વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો. જેના આધારે હેકો એસ.કે.જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએ માટે મોકલી મૃતકના પરિવારજનોને જાણ કરી હતી. પોલીસે મૃતકે કયા કારણોસર આત્મહત્યા કરી ? તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.