મોનરો તળાવમાં ડૂબી ગયેલા ઈન્ડિયા યુનિવર્સિટીમાં ભણતાં બે ગુજરાતી વિદ્યાર્થીઓના મૃતદેહ મળી આવ્યા છે. મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓમાં એકની ઓળખ 19 વર્ષીય સિદ્ધાંત શાહ અને બીજાની 20 વર્ષીય આર્યન વૈદ્ય તરીકે જાહેર કરાઈ હતી. તેમના મૃતદેહો 18 ફૂટ ઊંડે પાણીમાંથી મળી આવ્યા હતા. ઉલ્લેખનિય છે કે શનિવારે અમેરિકાની ઈન્ડિયાના યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં આ બંને ગુજરાતી વિદ્યાર્થીઓ મોનરો લેકમાં તરવા જતાં જ ડૂબી ગયાં હતાં. તેમના મિત્રોએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પણ તેઓ પાણીમાંથી ઉપર આવી શક્યા નહોતા. પાણીમાંથી તેમના મૃતદેહોને શોધવા માટે તંત્ર દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવ્યા હતાં. તંત્ર દ્વારા તેમની બોડીને શોધવા સ્કૂબા ડાઈવર્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. માહિતી અનુસાર સિદ્ધાંત શાહ મૂળ અમદાવાદનો છે અને જાણીતા બિલ્ડરનો દીકરો છે જે વિદેશ અભ્યાસ માટે ગયો હતો, જ્યારે આર્યન વૈધ ઓહાયોમાં રહેતો હતો. તેઓ તેમના મિત્રો સાથે મોનરો લેકમાં બોટીંગ કરી રહ્યાં હતાં. આ દરમિયાન તેમણે બોટ રોકીને એન્કર પાણીમાં નાંખ્યું હતું અને પોતે પણ પાણીમાં તરવા માટે ગયા હતાં ત્યારે બંને જણા ડૂબ્યા હતાં. ઈન્ડિયાના યુનિવર્સિટીએ પણ આ ઘટનાને લઈને સ્ટેટમેન્ટ જાહેર કર્યું હતું. યુનિવર્સિટીએ સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે, આ ઘટનાથી અમે ખૂબજ દુ:ખી છીએ.બંને વિદ્યાર્થીઓ કેલે સ્કૂલ ઓફ બિઝનેસમાં અભ્યાસ કરતા હતાં.