કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે બિહારના બેગુસરાઈ ખાતે એક ખૂબ જ વિવાદિત નિવેદન આપ્યું છે. ખેડૂત તાલીમ કાર્યક્રમ દરમિયાન તેમણે જે પણ સરકારી અધિકારી ખેડૂતોની વાત કે ફરિયાદ ન સાંભળે તેને લાકડી વડે મારવા કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આપણે તેમને ગેરકાયદેસર કામ કરવા નથી કહેતા અને ન આપણે તેમના ગેરકાયદેસર કામ સહન કરીશું. કોઈ અધિકારી ગેરકાયદેસર કામનો નગ્ન નાચ કરશે તો તે સહન નહીં કરવામાં આવે.
કેન્દ્રીય મત્સ્ય પાલન, પશુપાલન અને ડેરી મંત્રી ગિરિરાજ સિંહે બેગુસરાઈના ખોદાવંદપુર કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં જળવાયુ અનુકૂળ ખેતી સહ ખેડૂત તાલીમ સમારંભના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન તેઓ જ્યારે મંચ પર બેઠા હતા ત્યારે શ્રોતાગણમાં બેઠેલા કેટલાક લોકોએ તેમના સમક્ષ અધિકારીઓ કામ ન કરતા હોવાની ફરિયાદ કરી હતી.
પોતાના નીડર નિવેદનોને લઈ ચર્ચામાં રહેતા ભાજપના નેતાએ કહ્યું હતું કે, “અધિકારીઓ જનતાની ફરિયાદ કાન પર ન ધરતા હોવાનું સામે આવતું હોય છે. હું તેમને કહેવા માંગુ છું કે આટલી નાની વાત લઈને મારા પાસે કેમ આવો છો. સાંસદો, ધારાસભ્યો, ગામના મુખી, ડીએમ, એસડીએમ, બીડીઓ આ બધાનું કર્તવ્ય જનતાની સેવા કરવાનું છે. જો તેઓ તમારી વાત નથી સાંભળતા તો બંને હાથથી લાકડી પકડી તેમના માથામાં ફટકારી દો. જો તેનાથી પણ કામ ન થાય તો ગિરિરાજ તમારા સાથે છે.”