1990 પછી ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપ રાજ્યસભામાં 100 બેઠકો મેળવવામાં સફળ રહ્યું છે. હાલમાં જ રાજ્યસભમાં જે બેઠકો ખાલી પડી હતી તેને લઇને ચૂંટણી યોજાઇ હતી, જેમાંથી આસામ, ત્રિપુરા, નાગાલેંડમાંથી ભાજપની જીત થઇ હતી. જેને પગલે 100નો આંકડો પાર કરવામાં ભાજપ સફળ રહ્યું છે.
રાજ્યસભાની કુલ 13 બેઠકો ખાલી પડી હતી, જેના પર ચૂંટણી યોજાઇ હતી. જેમાંથી પંજાબમાં આમ આદમી પાર્ટીએ પાંચ બેઠકો પર જીત મેળવી હતી. હાલ આ ચૂંટણીઓમાં જીતને પગલે રાજ્યસભામાં ભાજપની બેઠકો હવે 101 સુધી પહોંચી ગઇ છે. આ સાથે જ રાજ્યસભામાં 100થી વધુ બેઠકો પ્રાપ્ત કરનારી ભાજપ 1990 બાદ પ્રથમ પાર્ટી બની ગઇ છે.
ગુરૂવારે જ રાજ્યસભાની આ ખાલી બેઠકો પર મતદાન થયું હતું. આ 13માંથી ચાર બેઠકો પર ભાજપે જીત પ્રાપ્ત કરી છે. જે ઉત્તરપૂર્વી રાજ્યોની બેઠકો છે. આ પહેલા 2014માં રાજ્યસભામાં ભાજપની 55 બેઠકો હતી, છેલ્લે ભાજપ પાસે 1990ના સમયમાં રાજ્યસભામાં 100 કે તેથી વધુ બેઠકો હતી. હવે તેણે આટલા વર્ષો પછી ફરી આ આંકડો પ્રાપ્ત કરી લીધો છે.