દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા તથા રાવલ નગરપાલિકાના નવા હોદ્દેદારોની ચૂંટણી આજરોજ એકંદરે શાંતિપૂર્ણ રીતે યોજાઇ હતી. જેમાં બંને પાલિકાઓમાં ભાજપના હોદ્દેદારોના નામોની વિધિવત રીતે જાહેરાત થઈ છે. આવતીકાલે બુધવારે મહત્વની એવી દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત ઉપરાંત ખંભાળિયા, ભાણવડ, કલ્યાણપુર અને દ્વારકા એમ ચાર તાલુકા પંચાયતના પ્રમુખ – ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવી છે. હાલની પરિસ્થિતિમાં જિલ્લા પંચાયત તથા તમામ ચાર તાલુકા પંચાયત બિનહરીફ થાય તેવું ચિત્ર સર્જાઈ ગયું છે. જેમાં જિલ્લા પંચાયત તેમજ ખંભાળિયા, કલ્યાણપુર અને દ્વારકા તાલુકા પંચાયતમાં ભાજપ જ્યારે ભાણવડ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના હોદ્દેદારો બિન હરીફ થશે તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં કુલ 22 પૈકી 12 સભ્યો ભાજપના અને 10 સભ્યો કોંગ્રેસના છે. જ્યારે ગઈકાલ સુધી ભાજપના સભ્યોનું સમર્થન લઈ અને જિલ્લા પંચાયત કોંગ્રેસ દ્વારા કબજે કરવામાં આવે તેવા સમીકરણો જોવા મળી રહ્યા હતા. પરંતુ આ અંગેની મીટીંગોના ધમધમાટ તેમજ સમજાવટોનો દૌર પૂર્ણ થતા ઘીના ઠામમાં ઘી પડી ગયું છે અને આજરોજ જિલ્લા પંચાયતના પ્રમુખ – ઉપપ્રમુખ માટે ફોર્મ ભરવાના દિવસે કોંગ્રેસના એક મહિલા સદસ્યા દ્વારા ભરવામાં આવેલું ફોર્મ પરત ખેંચી લેવામાં આવતા હવે દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત પર ભાજપનો કબજો બરકરાર રહેશે તે બાબત નિશ્ચિત માનવામાં આવે છે.
રાજ્યના છેવાડાના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ માટે જિલ્લા સાંસદ પૂનમબેન માડમ, અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી દ્વારા પ્રારંભથી જ તમામ પ્રકારના માઇક્રો પ્લાનિંગ તેમજ જ્ઞાતિલક્ષી સમીકરણોનું બેલેન્સ જાળવી અને આ તમામ પંચાયતોમાં હોદ્દેદારોની વરણી કરવા માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આજરોજ સ્પષ્ટ થયેલા ચિત્રમાં એકંદરે શાંતિપૂર્ણ રીતે અને મહદ અંશે બિનહરીફ સદસ્યો જાહેર થયા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં કુલ 22 સભ્યો પૈકી બહુમતી 12 સભ્યો સાથે હાલ ભાજપનું શાસન છે. ત્યારે એક તબક્કે દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત કોંગ્રેસ કબજે કરે તેવા ઉભા થયેલા ચિત્રો વચ્ચે જિલ્લા સાંસદ પૂનમબેન માડમ, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા અને જિલ્લા અધ્યક્ષ મયુરભાઈ ગઢવી દ્વારા સમજાવટ હાથ ધરી અને તમામ ભાજપના સભ્યોને અકબંધ રાખવામાં સફળતા મેળવી હતી.
આજરોજ કોંગ્રેસના એક મહિલા સભ્યોએ પ્રમુખ પદ માટેનું ઉમેદવારી ફોર્મ મેળવ્યું કર્યું હતું. પરંતુ બહુમતીનું સમીકરણ ન સર્જાતા તેમણે પોતાનું ફોર્મ પાછું ખેંચી લીધું હતું અને જિલ્લા પંચાયતમાં ભાજપ બિનહરીફ વિજેતા થનાર હોવાનું જોવા મળી રહ્યું છે. એટલું જ નહીં, આવતીકાલે બુધવારે સવારે યોજનારી પ્રમુખ – ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં ભાજપના પ્રમુખ પદના ઉમેદવાર તરીકે ચાર બારા સીટ પર જીતેલા રિદ્ધિબા શક્તિસિંહ જાડેજા તેમજ ઉપપ્રમુખ પદ માટે વડત્રા બેઠક પર જીતેલા અનિલ ભરતભાઈ ચાવડાના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે. જે અંગેની વિધિવત કાર્યવાહી આવતીકાલે સવારે સક્ષમ અધિકારીની ઉપસ્થિતિમાં સંપન્ન થશે.
આજરોજ મંગળવારે હોદ્દેદારો માટેના ફોર્મ રજૂ કરવાના દિવસે જિલ્લા પંચાયત સિવાય એક પણ ફોર્મ ન ઉપાડતા આવતીકાલે યોજનારી જિલ્લા પંચાયત તથા ચાર તાલુકા પંચાયત મળી, તમામ પાંચ પંચાયતો બિનહરીફ થશે.
ખંભાળિયા તાલુકા પંચાયતના 24 સભ્યો પૈકી કોંગ્રેસના એક સભ્યનું થોડા સમય પૂર્વે અવસાન થતા હાલની પરિસ્થિતિમાં 13 સભ્યો ભાજપના, 8 સભ્યો કોંગ્રેસના છે. જેમાં બિનહરીફ થનારી ખંભાળિયા તાલુકા પંચાયત માટે પ્રમુખ તરીકે સંગીતાબા ઘનશ્યામસિંહ જાડેજા (કાઠી દેવળીયા સીટ) અને ઉપપ્રમુખ તરીકે ભાનુબેન દેવજીભાઈ કછટીયા (શક્તિનગર – 2) સીટના નામની જાહેરાત કરવામાં આવી છે.
સ્પષ્ટ બહુમતી ધરાવતી કલ્યાણપુર તાલુકા પંચાયત માટે પ્રમુખ પદના જીવીબેન સોમાભાઈ ચાવડા (આસોટા સીટ) ઉપપ્રમુખ તરીકે ગોમતીબેન ગોપાલભાઈ ચોપડા (કેનેડી સીટ) ના નામના મેન્ડેટ તૈયાર થયા હોવાનું પણ જાણવા મળ્યું છે.
આ જ રીતે 16 પૈકી ભાજપના 15 સભ્યોની બહુમતી ધરાવતી દ્વારકા તાલુકા પંચાયતના આગામી પ્રમુખ તરીકે મોજપ બેઠકના દેવીસિંગ તેજાભા હાથલ અને મીઠાપુર 1 બેઠકના અનુપમાબેન સુનિલભાઈ શ્રીમાળીને ઉપપ્રમુખ તરીકે હાલ પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.
જ્યારે ભાણવડ બેઠકમાં 16 પૈકી 12 સભ્યોની બહુમતી ધરાવતી કોંગ્રેસ દ્વારા ચોખંડા બેઠક ના ડાયાબેન કરણાભાઈ છૈયા તેમજ ઉપપ્રમુખ તરીકે ઢેબર બેઠકના મરિયમબેન જુમાભાઇ હીંગોરાના નામો મુકરર કરવામાં આવ્યા છે.
આમ, દેવભૂમિ દ્વારકા જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકા બિનહરીફ બની રહે તે માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, મહામંત્રી રત્નાકરજી તેમજ જિલ્લા પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા સાથે સંકલન કરીને જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીની જહેમત પણ મહત્વની બની રહી છે.