જુનાગઢના ભેસાણ તાલુકાના ભાજપના અગ્રણીના કોન્ટ્રાકટર પુત્રએ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.યુવકે ઈજનેર સહીત 5ભાગીદાર કોન્ટ્રાકટરના ત્રાસથી જંતુનાશક દવા પી આપઘાત કરી લીધો છે. યુવકે પાસેથી મળેલ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે ભાગીદારો તેના રૂપિયા ખાઈ ગયા છે માટે આ પગલું ભર્યું છે.
ભેસાણ તાલુકાના ભાજપના અગ્રણી કરશનભાઈ ડોબરીયાના કોન્ટ્રાકટર પુત્ર ધવલ કરશનભાઈ ડોબરીયા (ઉ.વ.35)એ જંતુનાશક દવા પી આપઘાત કરી લીધો છે. મળતી માહિતી મુજબ ધવલ ડોબરિયાએ રાજકોટની એક કન્સ્ટ્રકશન કંપની પાસેથી પીયુષ પાનસુરીયા મારફતે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો સરકારી કામનો કોન્ટ્રાકટ રાખ્યો હતો. જેમાં 4કરોડનું રોકાણ કર્યું હતું અને તે રકમ ફસાઈ જતા યુવક ડીપ્રેશનમાં હતો. અને હવે તેના આપઘાતથી અરેરાટી છવાઈ ગઈ છે.
ગઈકાલના રોજ બપોરે યુવકે દવા પી લેતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યાં તેનું મૃત્યુ નીપજ્યું હતું આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તપાસમાં યુવકના ખિસ્સામાંથી સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં એક ઈજનેર સહીત છ વ્યક્તિના નામનો ઉલ્લેખ કરતા યુવકે લખ્યું હતું કે હું દવા પીને આપઘાત કરી રહ્યો છું તેનું કારણ છે રાજકોટ આવાસમાં કમ ચાલી રહ્યું છે તે. આ કામમાં મારા ભાગીદારો મારા રૂપિયા ખાઈ ગયા છે.માટે હું આ પગલું ભરું છું. સુસાઇડ નોટ કબજે કરી પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે.