ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી ભાજપને પ્રચંડ બહુમતી તરફ લઈ જઈ રહ્યા હોવા છતાં, તેઓ પોતે તેમની ખટીમા વિધાનસભા બેઠક પરથી હારી ગયા છે. ઉત્તરાખંડમાં ભાજપ બહુમતી સાથે જીતી રહ્યું છે. રાજ્યના ઈતિહાસમાં પ્રથમ વખત એવું બનવા જઈ રહ્યું છે કે સતત બીજી વખત કોઈ પણ પક્ષ સરકાર બનાવશે.
ઉત્તરાખંડમાં ભાજપની જીત નીશ્ચીત છે પરંતુ હાલના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી ખટીમા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. ઉત્તરાખંડ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ભુવન ચંદ કાપડીની જીત થઇ છે. ધામી 6000 મતથી હાર્યા છે.
કોણ છે ભુવનચંદ કાપડી
ભુવનચંદ કાપડી યુવા નેતા અને રાજ્યમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ છે. યુવાનોમાં લોકપ્રિય ભુવનચંદ ઉત્તરાખંડ યુથ કોંગ્રેસના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. તેઓ ઉત્તરાખંડ પ્રદેશ કોંગ્રેસમાં મહાસચિવનું પદ પણ સંભાળી ચુક્યા છે. ભુવનચંદે 2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ પુષ્કર સિંહ ધામીને સખત ટક્કર આપી હતી. ત્યારે તેઓ માત્ર 2709 મતોથી હારી ગયા હતા. તે વખતે ભુવનચંદને 26,830 વોટ મળ્યા, જ્યારે પુષ્કર સિંહ ધામીને 29,539 વોટ મળ્યા હતા.
દેવભૂમિ ઉત્તરાખંડની વાત કરીએ તો 70 સીટોવાળી વિધાનસભામાં ભાજપ 48, કોંગ્રેસ 18, બસપા 2, અન્ય 2 સીટો પર આગળ છે. તે જ સમયે આમ આદમી પાર્ટી (AAP)નું ખાતું પણ નથી ખુલ્યું.
ઉત્તરાખંડમાં 2002ની ચૂંટણીમાં કોંગ્રેસ તો 2007માં ભાજપે જીત મેળવી હતી. ફરી 2012માં કોંગ્રેસે જીત મેળવી અને હરીશ સિંહ રાવત મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારબાદ 2017 માં ભાજપ જીત્યું હતું અને ફરી 2022માં ભાજપની જીત નિશ્ચિત છે.