દ્વારકા જિલ્લાની ઓખા નગરપાલિકામાં ઓખા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં સત્તાનું પુનરાવર્તન થયું છે. જયારે ભાણવડ પાલિકાની મધ્યસત્ર ચૂંટણીમાં કોંગ્રેસે બહુમતિ મેળવી છે. ઓખા પાલિકામાં ભાજપાએ 36 પૈકી 34 બેઠકો જિતી લઇ તોતિંગ બહુમતિ મેળવી છે. તો ભાણવડ પાલિકાની કુલ 24 બેઠકો પૈકી 16 બેઠક જિતી લઇ કોંગ્રેસે સત્તા મેળવી છે.
સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ જુદી-જુદી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય તથા પેટા ચૂંટણી સંદર્ભે ઓખા નગરપાલિકાની સામાન્ય, ભાણવડ નગરપાલિકાની પેટાચૂંટણી તથા દ્વારકા નગરપાલિકાની એક બેઠકની તેમજ દ્વારકા તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણી મળી કુલ ચાર ચૂંટણી સંદર્ભેનું મતદાન રવિવારે એકંદરે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ ગયું હતું. આ મતદાન બાદ આજરોજ મંગળવારે સ્થાનિક સ્તરે જુદા-જુદા સ્થળોએ મતગણતરી યોજવામાં આવી હતી. જેમાં દ્વારકા નગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જ્યારે ઓખા નગરપાલીકામાં તોતિંગ બહુમતી સાથે ભાજપનો ભગવો વધુ એક વખત લહેરાયો છે. આ ઉપરાંત દ્વારકા નગરપાલિકાના વોર્ડ નંબર 5ની એક બેઠક તથા તાલુકા પંચાયતની ટુંપણી બેઠક પર ભાજપ ઉમેદવાર વિજેતા બન્યા છે. ઓખા નગરપાલીકામાં છેલ્લી ત્રણ ટર્મથી ભાજપનો કબજો છે. ઓખા મંડળના ભાજપના તત્કાલિન ધારાસભ્ય પબુભા માણેકના વર્ચસ્વ હેઠળની ઓખા નગરપાલિકાની ચૂંટણી માટેના રવિવારે સંપન્ના થયેલા મતદાન બાદ આજે સવારથી શરૂ થયેલી મતગણતરીમાં પ્રારંભથી જ ભાજપ આગળ રહ્યું હતું. આ વચ્ચે ઉલ્લેખનિય છે કે ચૂંટણી પૂર્વે પાલિકાની બે બેઠક બિનહરીફ થઇ ગઇ હતી. 9 વોર્ડ માટેના 36 પૈકી 34 સભ્યો માટેની આજરોજ હાથ ધરાયેલી ગણતરીમાં ભાજપના 32 ઉમેદવારો વિજેતા થયા હતા. જ્યારે કોંગ્રેસને માત્ર બે બેઠક મળી હતી. આમ, 36 પૈકી 34 બેઠકો મેળવી અને ભાજપે તોતિંગ વિજય મેળવ્યો છે. જ્યારે આમ આદમી પાર્ટીના એક પણ ઉમેદવાર વિજેતા બન્યા નથી. ઓખા નગર પાલિકા માં સત્તા નું પુનરાવર્તન થતાં ભાજપના આગેવાનો તથા કાર્યકરો ગેલમાં આવી ગયા છે. આ પરિણામ આવતા ઓખામાં ઉજવણીનો માહોલ છવાયો હતો. દ્વારકા નગરપાલિકાના વોર્ડ નંબર 5 ની ખાલી પડેલી એક બેઠક તથા ટુંપણી તાલુકા પંચાયતની એક બેઠક માટેની મતગણતરીમાં બંને બેઠક ભાજપના ફાળે ગઇ છે. દ્વારકા જિલ્લા અતિ ચકચારી અને ઉત્તેજનાસભર એવી ભાણવડ નગરપાલિકાની પેટાચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવી ભાજપ પાસેથી સત્તા આંચકી લેવામાં કોંગ્રેસ સફળ થઈ છે. આગામી સવા વર્ષ માટે નગરપાલિકાના છ વોર્ડના 24 સભ્યો માટેની ચૂંટણીનું મતદાન રવિવારે સંપન્ન થયું હતું. જેની મતગણતરી આજરોજ મંગળવારે સવારથી શરૂ થઈ હતી. અત્યંત રસાકસીભરી ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ યોજાયો હતો. અગાઉ નોંધપાત્ર બહુમતી સાથે ભાજપની સત્તા પછી સખડ-ડખળ અને સભ્યોની ખેંચતાણના અંતે નગરપાલિકાને કોંગ્રેસે કબજે કરી હતી. બાદમાં ઉચ્ચ કક્ષાએથી વિવિધ મુદ્દે ભાણવડ નગરપાલિકાને સુપરસિડ કરવામાં આવી હતી. આ નગરપાલિકા પર પુન: કબજો મેળવવા માટે ખાસ કરીને ભાજપ દ્વારા એડીચોટીનું જોર અપનાવવામાં આવ્યું હતું. જિલ્લાભરના કાર્યકરોના ધાડા ભાણવડમાં ઉતારી દેવામાં. આખરે આજરોજ યોજાયેલી મતગણતરીમાં 24 પૈકી 16 સભ્યોની બહુમતી સાથે કોંગ્રેસનો જ્વલંત વિજય થયો હતો. જ્યારે ભાજપને માત્ર 8 બેઠક મળી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ગત ટર્મમાં ભાજપના 16 સભ્યો વિજેતા બન્યા હતા. જે આ ચૂંટણીમાં અડધા થઈ ગયા છે. આ જીત માટે અહીંના કોંગી ધારાસભ્ય વિક્રમભાઈ માડમ કે.ડી. કરમુર વિગેરેની જહેમત ઊગી નીકળી હતી. જ્યારે ભાજપના ભાણવડ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી તેમજ જિલ્લા ભાજપના વર્તમાન પ્રમુખના ગઢ તથા કાર્યક્ષેત્રમાં આ જનાદેશથી ગાબડું પડયું છે. વધુમાં સ્થાનિકો દ્વારા ચર્ચાતી વિગતો મુજબ ભાણવડ પંથકમાં ખોરંભે ચડેલા વિકાસ કાર્યો તથા પ્રાથમિક સુવિધાના અભાવથી કંટાળી અને સત્તા પરિવર્તન કર્યાનું મનાય છે. જો કે આમ આદમી પાર્ટીના ગાજ્યા મેહ બિલકુલ વરસ્યા ન હતા. “આપ”ને એક પણ બેઠક મળી નથી.