‘ઈઝ ઓફ બિઝનેશ’ અંતર્ગત વેપાર ધંધાને સરળ બનાવવા કેન્દ્ર સરકારે જનવિશ્ર્વાસ વિધેયકને બહાલી આપી હતી જેમાં અંતર્ગત હવે નાના ગુનામાં જેલ સજાની જોગવાઈ નાબૂદ કરવામાં આવી છે. જુદા-જુદા 42 કાયદામાં 183 જોગવાઈઓમાં જેલસજા રદ કરતો આ સુધારા ખરડો પસાર કરવામાં આવ્યો હતો. લોકસભામાં સરકારે જનવિશ્ર્વાસ વિધેયક રજુ કર્યુ હતું. આ વખતે વિપક્ષી સભ્યો મણીપુર મુદે વિરોધ કરીને નારેબાજી કરી રહ્યા હતા. ધારાસભ્યો વાતાવરણમાં ટુંકી-સંક્ષિપ્ત ચર્ચા વચ્ચે જ આ વિધેયક પસાર કરી દેવાયુ હતું. ધમાલને કારણે ચર્ચા સાંભળવી પણ શકય ન હતી. લોકસભાની કાર્યવાહી થોડી મીનીટો જ ચાલી હતી અને તે દરમ્યાન વિપક્ષી સભ્યો પુર્વોતર રાજયની હિંસા વિશે વડાપ્રધાનના નિવેદનની માંગ સાથે ધાંધલધમાલ સર્જાતા રહ્યા હતા. આ ગાળામાં જ વિધેયક પસાર કરાવી દેવાયુ હતું.
આ વિધેયક રજુ કરતા કેન્દ્રના વ્યાપાર તથા ઉદ્યોગ વિભાગના પ્રધાન પિયુષ ગોયલે કહ્યું કે, સંખ્યાબંધ જોગવાઈઓને અપરાધની શ્રેણીમાંથી બહાર કરી દેવામાં આવી હોવાથી વેપારધંધા સરળ બની શકશે. અનેક જોગવાઈઓમાં માત્ર પેનલ્ટી રાખવામાં આવી છે એટલે અદાલતી પ્રક્રિયા કે સજામાંથી મુક્તિ મળશે. અનેક ગુનામાં જેલ સજાની જોગવાઈ પણ નાબૂદ કરવામાં આવી છે. પોસ્ટ ઓફિસ કાયદા 1898 હેઠળના તમામ ગુના નાબુદ કરાયા છે. તેઓએ કહ્યું કે મોદી સરકારના છેલ્લા 9 વર્ષના કાર્યકાળ દરમિયાન વેપાર-ધંધાર્થી કે સામાન્ય લોકો માટે મુશ્કેલી સર્જી શકે તેવી અંદાજીત 40000 કાયદાકીય જોગવાઈઓ સરળ અથવા રદ કરવામાં આવી છે. જનવિશ્ર્વાસ વિધેયક 2022 ગત 22 ડિસેમ્બર 2022માં લોકસભામાં રજુ થયુ હતું. જે પછી સંયુક્ત સમીતીને મોકલાયુ હતું અને તેના દ્વારા ગત માર્ચમાં લોકસભાને રિપોર્ટ સોંપાયો હતો.લોકસભામાં પસાર કરાયેલા જનવિશ્ર્વાસ વિધેયકમાં 76 કાયદા હળવા કરી દેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં મોદી સરકારે 1486 કાયદા હળવા કે નાબૂદ કર્યા છે. નવા વિધેયકમાં 76 કાયદા રદ કરવાની દરખાસ્ત છે. આ બીલ સંસદમાં પસાર થયા બાદ સંખ્યા 1562 થશે. આ તકે કાયદાપ્રધાન અર્જુનરામ મેઘવાલે એવી ટકોર કરી હતી કે યુપીએ શાસનમાં એકપણ બીનજરૂરી કાયદા રદ થયા નથી.