જામનગર-રાજકોટ માર્ગ પર ઠેબા ચોકડી નજીકથી પસાર થતા બાઇકસવારને પુરપાટ આવી રહેલી ક્રેટા કારના ચાલકે ઠોકરે ચડાવી હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ઠેબા ચોકડી નજીક ગત તા.5 જાન્યુઆરીના રોજ મધ્યરાત્રિના સમયે પસાર થતા જીજે-10-ડીએફ-4547 નંબરના યામાહા બાઈક પર જતા ચાલકને પૂરપાટ આવી રહેલી જીજે-03-ઈએ-5182 નંબરની કારના ચાલકે બાઈકસવારને ઠોકરે ચડાવતા શરીરે તથા માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું રવિવારની મધ્યરાત્રિના સમયે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે પરેશભાઈ નકુમ દ્વારા જાણ કરાતા પીઆઈ વી.જે. રાઠોડ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.