ખંભાળિયા તાલુકાના હંસ્થળ ગામે રહેતા ધનાભાઈ રણમલભાઈ મકવાણા નામના એક આધેડ પોતાનું મોટરસાયકલ લઈને ખંભાળિયાના મિલન ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે એકાએક તેમને ચાલુ મોટરસાયકલએ કોઈ કારણોસર ચક્કર આવી જતા તેમનું મોટરસાયકલ નજીકના એક વીજપોલ સાથે અથડાયું હતું. આ અકસ્માતના કારણે તેઓ નીચે પટકાઈ પડ્યા હતા અને રક્તસ્ત્રાવ થયો હતો.
આ દરમિયાન અહીં ફરજ પર રહેલા જિલ્લા ટ્રાફિક પીએસઆઈ વી.એમ. સોલંકી તેમજ સ્ટાફ દ્વારા તાકીદે આ સ્થળે દોડી જઈ અને ઉપરોક્ત આસામીને તેમના સરકારી વાહનમાં તુરંત અહીંની સરકારી હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. આ પછી ઈજાગ્રસ્ત આધેડના પરિવારજનોને પોલીસે સંપર્ક કરી, ઘટનાની માહિતી આપતા તેઓ હોસ્પિટલે પહોંચી ગયા હતા. ફરજ પરના તબીબો દ્વારા ઈજાગ્રસ્ત આધેડને તાકીદની સારવાર આપવામાં આવી હતી. જેથી તેઓ સ્વસ્થ થયા હતા. જિલ્લા ટ્રાફિક પોલીસની આ તાકીદની કામગીરીથી દર્દી તેમજ તેમના પરિવારનોએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.