જામજોધપુર તાલુકાના બાલવા નજીક બે ફિકરાઇથી આવતાં મીની ટ્રેકટરના ચાલકે બાઇક સવારને ઠોકર મારી હડફેટ લેતાં અકસ્માતમાં ઘવાયેલા પ્રૌઢનું સારવાર દરમ્યાન મોત નિપજયાના બનાવમાં પોલીસે નંબર વગરના ટ્રેકટર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ જામજોધપુર તાલુકાના હોથીજી ખડબામાં કેશુરભાઇ રાયદેભાઇ ડાંગર નામના પ્રૌઢ બુધવારે રાત્રીના સમયે તેના બાઇક પર જતાં હતાં ત્યારે ગાધેશ્ર્વર ફાટક નજીક પહોચ્યા ત્યારે બેફીકરાઇથી આવતાં નંબર વગરના મોડીફાઇડ મીની ટ્રેકટરના ચાલકે બાઇકને ઠોકર મારી હડફેડ લેતાં પ્રૌઢને શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોચી હતી. ત્યારબાદ ઇજા ગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયાં તેમનું મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પુત્ર ભરતભાઇ દ્વારા જાણ કરાતા પીએસઆઇ કે.સી.વાધેલા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી નંબર વગરના મીની ટેકટર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.