જોડિયા તાલુકાના રસનાળ ગામથી પીઠડ તરફ જવાના માર્ગ પરથી પસાર થતા બાઈકસવાર પ્રૌઢને પૂરઝડપે આવી રહેલી ઈકો કારના ચાલકે ઠોકર મારી હડફેટે લેતા પછાડી દઇ માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોંચતા પ્રૌઢનું મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જોડિયા તાલુકાના મોરાણા ગામમાં રહેતાં રાયધનભાઈ ભગવાનભાઈ બસીયર (ઉ.વ.58) નામના પ્રૌઢ બુધવારે સાંજના સમયે તેના જીજે-10-બીએચ-6632 નંબરના બાઈક પર ગજલી ગામથી મોરાણા ગામ તરફ જતા હતાં તે દરમિયાન રસનાળ ગામમાં માતાજીના મંદિર પાસે પહોંચ્યા ત્યારે પીઠડ ગામ તરફથી પૂરપાટ આવી રહેલી જીજે-36-એસી-5500 નંબરની ઈકો કારના ચાલકે બાઈકસવારને ઠોકર મારી હડફેટે લેતા બાઈક પરથી નીચે પટકાતા પ્રૌઢને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવ અંગેની મૃતકના પુત્ર ગીરીશભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ બી એલ ઝાલા તથા સ્ટાફે ઈકોના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી મૃતદેહની પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.