જામનગર તાલુકાના ચંગા ગામના પાટીયા નજીક લોઠીયા ગામમાં રહેતા પ્રૌઢ તેના બાઈક પર ચંગા ગામના પાટીયા નજીકથી પસાર થતા હતાં ત્યારે પાછળથી પૂરઝડપે બેફીકરાઈથી આવતી રાજકોટ પાસીંગની કારે ઠોકરે ચડાવતા પ્રૌઢનું ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના લોઠીયા ગામમાં રહેતાં રઘુભાઇ લખુભાઈ સનુરા (ઉ.વ.55) નામના પ્રૌઢ રવિવારે સવારના સમયે તેના બાઈક પર જતાં હતાં તે દરમિયાન ચંગા ગામના પાટીયા નજીક પહોંચ્યા ત્યારે પાછળથી પૂરઝડપે બેફીકરાઇથી આવતી જીજે-03-એમ.એલ.-3810 નંબરની કારના ચાલકે પ્રૌઢના બાઈકને ઠોકર મારી હડફેટે લેતા રઘુભાઈને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. અકસ્માતની જાણ થતા પીએસઆઈ એમ. જે. મોરી તથા સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને મૃતકના પુત્ર મુકેશ સનુરાના નિવેદનના આધારે રાજકોટ પાસીંગની નાશી ગયેલા કારના ચાલક સામે ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.