જામનગર તાલુકાના જાંબુડા અને સચાણા ગામ વચ્ચેના રોડ પરથી બાઈક પર જતા બે યુવાનોને સામેથી પૂરઝડપે બેફીકરાઇથી આવતી સીએનજી રીક્ષાએ ઠોકર મારી હડફેટે લેતા અકસ્માતમાં યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય યુવાનને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના સચાણા ગામમાં તળાવફળીમાં રહેતા સબીર સીદીકભાઈ કકલ (ઉ.વ.30) અને મહેબુબ નામના બન્ને યુવાન ગુરૂવારે સવારના સમયે તેમની જીજે-10-ડીકે-1827 નંબરની બાઈક પર જાંબુડા અને સચાણા ગામ વચ્ચેના માર્ગ પરથી પસાર થતા હતાં તે દરમિયાન સામેથી પૂરઝડપે આવતી જીજે-10-ટીડબલ્યુ-5644 નંબરની સીએનજી રીક્ષાના ચાલકે બાઈકસવારને ઠોકર મારી હડફેટે લેતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઈકસવાર સીદીક કકલને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય યુવાનને ઈજા પહોંચી હતી.
ત્યારબાદ બનાવની જાણ થતા પીએસઆઈ જે.કે. રાઠોડ તથા સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતના બનાવમાં પોલીસે મૃતકના ભાઈ રજાક કકલના નિવેદનના આધારે રિક્ષાચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.