જામજોધપુર નજીક આવેલા ત્રણ પાટીયા પાસે ગુરૂવારે સાંજના સમયે પૂરઝડપે બેફીકરાઈથી આવતી ખાનગી બસના ચાલકે બાઈકને ઠોકરે ચડાવી હડફેટે લેતા યુવાનને ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. અકસ્માતના બનાવમાં પોલીસે બસચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે તપાસ આરંભી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, મહારાષ્ટ્રના નંદુરબાગ જિલ્લાના કુરંગી ગામના વતની અને રાજકોટના ઉપલેટા તાલુકાના ખાખી જાળિયા ગામમાં રહેતો આકાશભાઈ રાકેશભાઈ સયાક નામનો યુવાન ગુરૂવારે સાંજના સમયે તેના જીજે-10-આર-7008 નંબરના બાઈક પર જામજોધપુર નજીક આવેલા ત્રણ પાટીયા પાસેના માર્ગ પરથી પસાર થતો હતો ત્યારે પૂરઝડપે બેફીકરાઈથી આવતી મોમાઈ કૃપા નામની જીજે-14-એકસ-0800 નંબરની ખાનગી બસના ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈકચાલક યુવાન આકાશભાઇને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા પીએસઆઈ કે.સી. વાઘેલા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો તેમજ મૃતકની પત્ની સરીતાબેનના નિવેદનના આધારે બસ ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.