- Advertisement -
ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા ખાતે રહેતો દેવરા વરસાભાઈ નાગેશ નામનો 21 વર્ષનો યુવાન ગઈકાલે મંગળવારે રાત્રિના આશરે દસેક વાગ્યાના સમયે તેના જી.જે. 37 સી. 7357 નંબરના મોટરસાયકલ પર બેસી અને મીઠાપુર ખાતે છાશ લેવા જઈ રહ્યો હતો, ત્યારે ભીમરાણા ચેકપોસ્ટ પાસે પહોંચતા આ માર્ગ પર પુરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા એક અજાણ્યા ઈક્કો મોટરકારના ચાલકે દેવરાભાઈના મોટરસાયકલને અડફેટે લીધું હતું. જેના કારણે ગંભીર રીતે ઘવાયેલા દેવરાભાઈને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો.
અકસ્માત સર્જીને ઈક્કો મોટરકાર ચાલક પોતાની કાર સાથે નાસી છૂટી હોવાનું જાહેર થયું છે. આ બનાવ અંગે મૃતકના ભાઈ દુદાભાઈ વરસાભાઈ નાગેશ (ઉ.વ. 30, રહે. આરંભડા) ની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે અજાણ્યા ઈક્કો કાર ચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 304 (અ) તથા એમ.વી. એક્ટ મુજબ ગુનો નોંધી, તેની શોધખોળ હાથ ધરી છે.
- Advertisement -